તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ
જુનાગઢ હાલ ઉનાળાની શરૂઆતના પ્રથમ તબકકામાં જ જનજીવન અકળાઈ ઉઠે તે પ્રકારે સુર્યદેવતાએ મીજાજ બતાવ્યો છે. દિવસે ને દિવસે તાપમાનનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. ૪૨ ડિગ્રી જેવુ તાપમાન પહોંચતા જનજીવન રીતસર ખોરવાઈ જવા પામ્યું છે. બપોરના સમયે શહેરના રસ્તા ઉપર સ્વયંભુ કર્ફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વધી રહેલા તાપમાનની અસરો આવનારા સમયમાં જનજીવન પર ચોકકસ વર્તાઈ શકવાની શકયતા વર્તાઈ રહી છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમ તેમજ ફ્રુટ-જયુસ તરફ વળ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ફ્રુટ જયુસના સ્ટોલવાળા તેમજ ઠંડાપીણાના સ્ટોલવાળા બેલગામ હોય તે રીતે મનપાની આરોગ્ય શાખાના અધિકારીઓ પ્રજાની ચિંતા છોડી એસીની મોજ માણવામાં વ્યસ્ત છે.
આ અંગે વિસ્તૃત વિગતો અનુસાર છેલ્લા છએક દિવસથી ગરમીનો પારો સતત વધી રહયો છે શહેરનું તાપમાન ૩૮ થી લઈ ૪૨ ડિગ્રી જોવા મળી રહ્યું છે. બપોરના સુમારે શહેરી વિસ્તારોમાં લુ સાથે ગરમ પવન ફુંકાઈ રહ્યો છે.
દિવસભર સવારના સુમારે ખુશનુમા ઠંડક સાથે દિવસની શ‚આત તો થાય છે પણ હળવે હળવે સુર્યદેવતા તેનો મીજાજ બતાવવાનું શરૂ કરે છે. છેક સાંજના પાંચ વાગ્યા સુધી સતત તાપમાં થતા વધારાના કારણે અસહય ઉકળાટ અને બફારાનો માહોલ જોવા મળે છે. શહેરની સરકારી હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓમાં લુ લાગવા અને પાણીજન્ય રોગચાળાના કેસો સતત વધી રહ્યા છે. જિલ્લા પંચાયત અને મનપાની આરોગ્ય વિભાગ બિનદાસ્ત રીતે વર્તી રહી છે. હજુ સુધી શેરડી, કેરીના રસ કે કોલ્ડ્રીંકસની દુકાનોમાં ચેકિંગ હાથધર્યું હોય એવું જાણવા મળી રહ્યું નથી. તંત્રની નિષ્ક્રીયતાના પગલે પ્રજા પર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પાણીજન્ય રોગચાળાના અને લુ લાગવાના દર્દીઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,