૨૫૦થી વધુ કર્મચારીઓએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી રોષ ઠાલવ્યો.
સૌનો સાથ અને સૌનો વિકાસ આવી વાતો વર્તમાન શાસનમાં અનેક વખત કાને અથડાઈ છે. ખાસ કરીને સરકારી યોજનાઓમાં પાયાનું કામ કરનારા ફિકસ પગારના કર્મચારીઓ માટે આ સાથ અને વિકાસ જાણે સપના બની ગયા હોય તેમ છેલ્લા ૧૦ વર્ષથી સાથ કે વિકાસની વાત તેઓને સ્પર્શતી નથી.
છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન સરકારની તમામ યોજનાઓને જાહેરાતથી લઈ છેક સુધી પહોંચાડવામાં પાયાના પથ્થરો બનેલા આ કર્મચારીઓ ઓછા વેતનના કારણે આજે વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. ગઈકાલે જુનાગઢ જીલ્લાના ગ્રામ વિકાસ એજન્સીમાં કામ કરતા ૨૦૦થી વધુ કર્મચારીઓ માટે જીલ્લા વિકાસ અધિકારીને રોષ સાથે આ મામલે આવેદન અપાયું હતું.
આ અંગે વધુ વિગત અનુસાર સૌનો સાથ સૌનો વિકાસ આ સુત્ર પરથી ગ્રામ વિકાસ વિભાગનાં કર્મચારીઓને તો સંપૂર્ણ વિશ્ર્વાસ ઉઠી ગયો છે. કારણકે આ વિભાગમાં છેલ્લા ૧૦ વર્ષથી ૧૧ માસના કરાર આધારીત કામ કરતા આ કર્મીઓને પગાર મળે છે માત્ર ૪૦૦૦ રૂપિયા આ અંગે અનેક રજુઆતો કરવા છતાં ન તો કોઈનો સાથ મળ્યો કે પગારનો વિકાસ થયો આટલા પગારમાં પરીવારનું ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ વિભાગના કર્મચારીઓએ ડીડીઓને આવેદન આપી પગાર બાબતે સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે.
આવેદનમાં જણાવ્યું છે કે, ગામડાને ભાંગતુ બચાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા જ આર્થિક પાયમાલીથી ભાંગી ગયા છે. ૮ અને ૧૦ પાસ અન્ય શાખાના કર્મીઓને પણ અમારા કરતા વધુ પગાર મળે છે. આવા પગારમાં કર્મચારીઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. અમારી ઓફિસમાં જ અમારા જેવી જ કામગીરી કરનાર અન્ય કર્મીઓને અમારા કરતા ૫ થી ૭ ગણો પગાર મળે છે.
કારણકે તેઓ કાયમી થઈ ગયા છે. જયારે અમે કોન્ટ્રાકટ પઘ્ધતિવાળા સીનીયર હોવા છતાં મામુલી પગાર મળે છે તેવું મંડળના પ્રમુખ મયુરભાઈ ચૌહાણ દ્વારા જણાવાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સહિત લાખાભાઈ બાલાસરા, શરદભાઈ ત્રિવેદી અને નાથાભાઈ ડાભીએ જહેમત ઉઠાવી છે. આગેવાનો હાલ સંગઠનનો વિસ્તાર ગુજરાતભરમાં થાય તેવું ઈચ્છી રહ્યા છે.