ધોરાજી રોડ પર રેલવે ફાટક પાસેથી ડસ્ટર કારમાં અપહરણ કરાયું: પોલીસે મોબાઇલ નેટવર્કના આધારે પગેરૂ દબાવી ત્રણેયની કરી ધરપકડ: ત્રણેય શખ્સોએ રૂ.૫ લાખ આંગડીયાથી પોરબંદર મોકલવા ધમકાવ્યા

જૂનાગઢના રાયજી બાગ ગાર્ડન હિલસમાં રહેતા અને ધોરાજી રોડ પર આવેલા રેલવે ફાટક પાસે શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ નામનું સોડાના મશીન બનાવવાનું કારખાનું ધરાવતા લોહાણા યુવાનનું ત્રણ શખ્સોએ ડસ્ટર કારમાં અપહરણ કરી રૂ.૫ લાખની ખંડણી આંગડીયા દ્વારા પોરબંદર મોકલવા ધમકાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે મોબાઇલ નેટવર્કના આધારે અપહરણકારનું પગેરૂ દબાવી ત્રણ શખ્સોની ધરપકડ કરી અપહૃત કારખાનેદાર યુવાનને હેમખેમ મુકત કરાવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જૂનાગઢના વતની અને છેલ્લા કેટલાક સમયથી વડોદરા સ્થાયી થયેલા પરેશભાઇ જયંતીલાલ સંઘાણી નામના વેપારીએ પોતાના મોટા ભાઇ જીતેન જયંતીલાલ સંઘાણીનું ગત તા.૯મીએ બપોરે ધોરાજી રોડ પર રેલવે ફાટક પાસેથી ત્રણ અજાણ્યા શખ્સોએ જીતેનભાઇની જી.જે.૧૧એએસ. ૪૮૦૦ નંબરની ડસ્ટર અટકાવી તેમની જ કારમાં અપહરણ કર્યાની જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જીતેનભાઇ સંઘાણીનું અપહરણ થયા અંગેની પિતરાઇ કૌશિકભાઇ મહેન્દ્રભાઇ સંઘાણીએ ફોન દ્વારા કર્યાની જાણ કરી હતી ત્યારે જીતેનભાઇનો મોબાઇલમાં સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમના બંને મોબાઇલ સ્વીચ આવતા હતા. સાંજના સમયે અજાણ્યા મોબાઇલ નંબરમાંથી પરેશભાઇ સંઘાણીને ફોન આવ્યો હતો અને જીતેનભાઇ સંઘાણીએ વાત કરી હતી તેઓ પોરબંદર હોવાનું અને તેઓને એક વેપારીને રૂ.૫ લાખ આપવાના છે ત્યારે ત્યાં હાજર અજાણી વ્યક્તિ રૂ.૭.૫૦ લાખ માગવાનું કહેતો હોય તેવો અવાજ સાંભળવા મળ્યો હતો. આ રકમ આંગડીયા દ્વારા મોકલવા જણાવી ફોન કટ થઇ ગયો હતો.

ત્યાર બાદ ફરી ફોન આવ્યો હતો અને ટૂંકા સમયમાં આવડી મોટી રકમ એકઠી કંઇ રીતે કરવી તે અંગેનું કહેતા બીજા દિવસે સવાર સુધીમાં પહોચાડી દેવાનું કહી પોલીસને જાણ કરતા જૂનાગઢ તાલુકા પી.એસ.આઇ. જે.પી.ગોસાઇ સહિતના સ્ટાફે મોબાઇલ નંબરના લોકેશનના આધારે ત્રણેય શખ્સોને ઝડપી અપહૃત જીતેનભાઇ સંઘાણીને મુકત કરાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.