જેની ભુલ હશે તેમને જરૂર સજા મળશે
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દર્દીને એક્સપાઈરી ડેટનો બાટલો ચડાવ્યો હોવાનો આક્ષેપ થવા પામ્યો છે. જો કે, સુપ્રિટેન્ડન્ટ એ આ બનાવની તપાસ હાથ ધરી છે અને જો કોઈ દોષી હશે તો જરૂર સજા મળશે તેમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. બીજી બાજુ હોસ્પિટલના નર્સના જણાવ્યા મુજબ તેમના રિટાયરમેન્ટને બે વર્ષ બાકી હોય ત્યારે કોઈ તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યાની શંકા સાથે દહેશત વ્યક્ત કરી છે.
જૂનાગઢના શૈલેષભાઈ રાણવાએ પોતાની પત્નીને સખત તાવ અને શરદી થતા, જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. ત્યારે બાટલો ચઢાવવામાં આવ્યો હતો અને અડધો બાટલો ચડી ગયો ત્યારે આ બાટલો એક્સપાયરી ડેટનો હોવાનું જાણમાં આવ્યું હતું, અને તાત્કાલિક આ આ બાબતે ફરજ પરના નર્સ તથા વોર્ડનને જાણ કરાતા તેમણે બાટલો બદલ્યો હતો. આમ તેમની પત્નીના આરોગ્ય સાથે ચેડા થયા હોવાનો આક્ષેપ કરી, જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરી છે.
આ રજૂઆત અંગે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. સુશીલ કુમારના જણાવ્યા અનુસાર, આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, 3 સપ્ટેમ્બર 2021 પછી આ બેચનો માલ ઇસ્યુ જ થયો નથી. ત્યારે આ બેચનો બાટલો ક્યાંથી આવે ? અને તે પણ એક જ કેમ હોય ? તે બાબત પણ વિચારવા લાયક છે. જો કે ફરિયાદ આવતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જો કોઈ દોસી હશે તો તેમને જરૂર સજા મળશે. જ્યારે ફરજ પરના નર્સના જણાવ્યા મુજબ હું વર્ષોથી હોસ્પિટલમાં પૂરા ખંતથી અને નિષ્ઠાથી સેવા બજાવી રહી છું. અને આ અગાઉ આવી ક્યારેય ભૂલ થવા પામી નથી કે તેમની સામે કોઈ ફરિયાદ થયેલ નથી. મારા માટે દર્દીની સારી રીતે સારવાર એ જ મારી ફરજ અને જવાબદારી સમજુ છું અને એ વિચારો સાથે મેં અત્યારે સુધી ફરજ બજાવી છે ત્યારે હવે જ્યારે મારી નિવૃત્તિના બે વર્ષ બાકી છે ત્યારે મને કોઈ દ્વારા ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આક્ષેપો થયા છે. જો કે આમાં મારી કોઈ ભૂલ નથી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. સુશીલકુમાર અને સિવિલ સર્જન ડો. પાલા, આર.એમ. ઓ. ડો. સોલંકી તથા હોસ્પિટલના તબીબો, સ્ટાફ દ્વારા અહીં આવતા પાંચ જિલ્લાના દર્દીઓને ઝડપી અને ખૂબ જ સારી એવી સારવાર મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી બનેલી આ ઘટના અને આક્ષેપ સામે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. સુશીલકુમાર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે.