શહેરમાં 16 અને જિલ્લામાં 20 ધન્વંતરી રથ કાર્યરત
જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ
અબતક, દર્શન જોશી, જૂનાગઢ
જૂનાગઢ શહેર અને જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા સજ્જ બન્યો છે. ત્યારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લાની કોરોનાની સ્થિતીના આંકલન માટે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લામાં બેડની સ્થિતી, દવાનો સ્ટોક, કોરોના ટેસ્ટીંગ, ટ્રેસીંગ તેમજ ટ્રીટમેન્ટ સહિતની વિગતોથી વાકેફ થઇ પ્રભારી સચિવએ સૂચન આપ્યા હતા કે, કોરોના સંક્રમણ અને ઓમીક્રોન વેરીયન્ટના સંક્રમણને રોકવા માસ્કનો ફરજિયાત ઉપયોગ, સોશ્યલ ડિસ્ટન્ટ સહિતના પગલાની અસરકારક અમલવારી થવી જરૂરી છે. વેક્સિનેશન થયા બાદ પણ આપણે ઢીલાશ રાખશુ તો સંક્રમણ ફેલાતુ અટકાવવું મુશ્કેલ થશે. તેમણે જિલ્લાના અધિકારીઓને માસ્કનો ફરજિયાત ઉપયોગ, સોશ્યલ ડિસ્ટન્ટ સહિતની બાબતો અંગે કાળજી લેવા તાકીદ કરી હતી.
પ્રભારી સચિવએ જૂનાગઢ શહેર અને જિલ્લામાં 36 જેટલા ધનવન્તરી રથ હાલ કાર્યરત છે. તેના અસરકારક ઉપયોગ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ પર ભાર મુકી, જૂનાગઢ શહેરમાં જે વિસ્તારમાં વધુ કેશ આવે છે, તે વિસ્તારો પ્રત્યે આરોગ્ય વિષયક વિશેષ કાળજી લેવા સુચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર રચિત રાજે જિલ્લાની કોરોનાની સ્થિતી તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવાતા સઘન પગલાની વિગતો આપી હતી. મ્યુ. કમિશનર આર.એમ. તન્નાએ જૂનાગઢ શહેર અને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે ગ્રામ્ય વિસ્તારની કોવિડ કામગીરીની વિગતો આપી હતી. બેઠકમાં આસીસ્ટન્ટ કલેક્ટર અંકીત પન્નુ, હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પાવર પોઇન્ટ પ્રોજેન્ટેશન રજૂ કર્યું હતું.