પત્ની સાથે અવાર નવાર મોબાઇલ વાત કરી લગ્ન જીવન ખંડિત કરનાર શખ્સે ત્રણ સંતાનની માતાનું ઉપરાણું લઇ ધમકાવ્યાની રાવ
અબતક,રાજકોટ
જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં જિલ્લા પંચાયત સોસાયટીમાં રહેતા પીજીવીસીએલના કર્મચારીની પત્ની સાથે મોબાઇલમાં વાત કરવાના સંબંધો ધરાવતા રાજકોટના લોહાણા શખ્સના કારણે લગ્ન જીવન ખંડિત કર્યા બાદ ત્રણ સંતાનની માતાનું ઉપરાણું લઇ તેણીના પતિને મોબાઇલમાં ધમકાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જોષીપુરા વિસ્તારમાં જિલ્લા પંચાયત સોસાયટીમાં રહેતા અને દસેક વર્ષથી પીજીવીસીએલમા મીટર રિડર તરીકે ફરજ બજાવતા કૃષ્ણકાંત જીવાભાઇ રાવળ નાંમના યુવાને રાજકોટના ગુરૂપ્રસાદ ચોક પાસે જૂની પોપૈયાવાડીમાં રહેતા ભરત નરોતમ ચંદારાણા નામના શખ્સે જૂનાગઢ આવી હત્યા કરવાની મોબાઈલમાં ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણ ભાઇમાં વચ્ચેટ કૃષ્ણકાંત રાવળના લગ્ન 2005માં સુરેશભાઇ ગોહિલની પુત્રી નમ્રતા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનનો જન્મ થયો હતો.
કૃષ્ણકાંતભાઇના સાળા વિશાલ સુરેશ ગોહિલ જુગારમાં મોટી રકમ હારી જતા નમ્રતાએ પોતાના પતિ કૃષ્ણકાંત રાવળની જાણ બહાર સોનાના ઘરેણા પોતાના ભાઇ વિશાલને આપી દીધા હોવાથી પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થતા નમ્રતા લાંબો સમય સુધી પોતાના પિયરમાં રિસામણે હતી. એકાદ વર્ષ પહેલાં ગોંડલ રહેતા પોપટભાઇ રાણાભાઇ ડાભીએ નમ્રતા અને કૃષ્ણકાંત વચ્ચે સમાધાન કરતા નમ્રતા પોતાના પતિ કૃષ્ણકાંત રાવળને ત્યાં જુનાગઢ રહેવા આવી ગઇ હતી. પરંતુ રાજકોટના ભરત નરોતમ ચંદારાણા સાથે આખો દિવસ મોબાઇલમાં વાત કરતી હોવાથી તેને ઠપકો દેતા તેણી ફરી રિસામણે પોતાના પિયર જતી રહી હતી અને ગઇકાલે ભરત ચંદારાણાએ કૃષ્ણકાંત રાવળને મોબાઇલમાં વાત કરી જેમ ફાવે તેમ ગાળો દઇ ‘હુ રાજકોટથી જુનાગઢ આવવા નીકળુ છુ’ ત્યાં આવી આજે તો તારી હત્યા જ કરવી છે તેવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. કે.ડી.રાઠોડે રાજકોટના ભરત ચંદાણારા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.