સંશોધકોને અભિનંદન તથા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવીને ઐતિહાસીક કોલેજના ભવ્ય વારસાનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદીન સરકારી આર્ટસ કોલેજ અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના આયુધ પબ્લિકેશનના સહકારથી યોજાયેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ના ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, ભીતરના આનંદને- સંતોષને જીવંત રાખે તે શ્રેષ્ઠ જ્ઞાન છે. બહુજન હિતાય બહુજન સુખાયની ભાવનાથી થતુ સંશોધન સાર્થક થતું હોય છે તેમ જણાવીને સુખની બદલાતી જતી પરિભાષા વચ્ચે માણસને આઠેય પહોર આનંદમાં રાખે તેવી શૈલી પદ્ધતિ અને સંશોધનો આજના સમયની જરૂરિયાત છે તેમ સ્પષ્ટ કહ્યું હતું.
જે ત્યાગે તે ભોગવે અને કરેલું કર્મ ફોગટ જતું નથી તેમ જણાવીને મંત્રીએ સ્વને ઓળખવાની આંતરદ્રષ્ટિ કેળવવા તેમજ બહારથી ગમે તેટલું જ્ઞાન આપવામાં આવે સમજાવવામાં આવે પણ જ્યાં સુધી વ્યક્તિનું પોતાનું જીવન ન કેળવાય અને અથાગ પરિશ્રમ ન કરે ત્યાં સુધી સફળતા મળતી નથી તેમ જણાવીને મંત્રીએ આદર્શ માનવ જીવન માટે સર્વના કલ્યાણ માટેના બીજાને ઉપયોગી થવા માટે હાથ ધરવામાં આવેલા સંશોધનો અને તે માટેના લેખકોને અભિનંદન આપી કોન્ફરન્સમાં જોડાયેલા અભ્યાસુઓને બિરદાવ્યા હતા.ભૌતિક સિદ્ધાંતો પૃથ્વી અને બીજા ગ્રહો પર બદલાતા રહે છે. પરંતુ લાગણીઓ બદલાતી નથી.
સુખ અને આનંદ દ્રષ્ટિકોણ આધારિત હોય છે તેમ જણાવીને મંત્રી એ વિદ્યાર્થીઓને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
બહાઉદ્દીન આર્ટસ કોલેજની ભવ્ય ઈમારત 123 વર્ષ જૂની છે અને અહીંનું બાંધકામએ પણ એક સંશોધન જ છે તેમ જણાવીને આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જેમણે ભાગ લીધો છે, તેવા અભ્યાસુઓ તેમજ સંશોધકો અને તેજસ્વી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રધ્યાપક જે. એસ. ઉપાધ્યાયે આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, નાયબ મેયર ગિરીશ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી. પી. ચોવટિયા, બહાઉદીન સાયન્સ કોલેજ આચાર્ય આર.પી. ભટ્ટ, જિલ્લા શિક્ષણાધિકારી વાઢેર, માર્ગ મકાન વિભાગના ગોસ્વામી, ભરત સોજીત્રા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાત્કાલીક કામો પૂર્ણ કરવા યોગ્ય આયોજન કરવું જરૂરી: મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા
અબતક, ઋષિ મહેતા, મોરબી: ગત જિલ્લા આયોજન મંડળની કાર્યવાહી નોંધને બહાલી આપવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ : 2023-24 માટેની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક શૈક્ષણિક પછાત યોજના વર્ષ : 2023-24ની નવી દરખાસ્તો મંજૂર કરવા તથા વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ: 2021-22 અને 2022-23ના કામોની સમિક્ષા વગેરે મુદ્દાઓને આવરી લઈને મોરબી જિલ્લા પ્રભારી તથા સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આયોજન મંડળ હેઠળના બાકી કામોની સમિક્ષા કરી તમામ કામોને પ્રાથમિકતા આપી તાત્કાલીક પૂર્ણ કરવા યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું. ઉપરાંત તમામ વિકાસકામો સમયસર અને ગુણવત્તાસર કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લાની તમામ નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતના પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર સહિત જિલ્લાના પદાધિકારીઓ તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ રાજ્ય મંત્રી પાનસેરીયાએ 123 વર્ષ પુરાણી બહાઉદ્દીન કોલેજના સ્થાપત્યનું કર્યું નિરીક્ષણ
જૂનાગઢ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રવિવારે બહાઉદ્દીન સરકારી વિનિયન કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સંબોધન કર્યા બાદ ઐતિહાસિક અને 123 વર્ષ પુરાણી બહાઉદ્દીન કોલેજની સમગ્ર ઈમારતનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મંત્રી એ બહાઉદ્દીન કોલેજમાં હાથ ધરવામાં આવી રહેલી વિવિધ શૈક્ષણિક ઉત્કર્ષની પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી.
ઉપરાંત બહાઉદ્દીન કોલેજના ભવ્ય શૈક્ષણિક વારસા અને તેના અનમોલ સ્થાપત્ય વિશેની રસપ્રદ જાણકારી મેળવી હતી. બહાઉદ્દીન કોલેજના આચાર્ય પી.વી.બારસીયાએ મંત્રીને સ્મૃતિચિન્હ આપ્યું હતું. બહાઉદ્દીન કોલેજના સૌ અધ્યાપકો દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી રહેલી વિદ્યાર્થી કલ્યાણ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની પ્રવૃત્તિની જાણકારી મેળવી મંત્રી એ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.