કોર્ટે કર્મચારીની રિમાન્ડમાં રેલવે, રાજકોટ કલેક્ટર કચેરીના સિક્કા અને પોલીસ યુનિફોર્મ તેમજ આઇકાર્ડ સહિતના દસ્તાવેજ કબ્જે કર્યા
જુનાગઢ પોલીસે પકડેલ નકલી ડીવાયએસપીના ઘરે તપાસ કરતા રોકડા રૂ. 20.98 લાખ મળી આવતા કબજે કર્યા છે. આ સહિત ગુનામાં વપરાયેલા 13 જેટલી ચીજવસ્તુઓનો પણ પોલીસ દ્વારા કબજો લેવામાં આવ્યો છે.
જુનાગઢ એલસીબી એ જૂનાગઢની ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને નકલી ડીવાયએસપી બની લોકોને નોકરી અપાવી દેવાની લાલચ આપી બાટલીમાં ઉતારતા શખ્સને પકડી પાડી, તપાસ હાથ ધરતા, અને અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ખુલતા કોર્ટમાં રજૂ કરાયેલા નકલી ડીવાયએસપી.ના કોર્ટે તા. 18 સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે નકલી ડીવાયએસપીની સઘન પૂછપરછ અને તપાસ આદરી છે.
આ તપાસ દરમિયાન નકલી ડિ વાયએસપીએ બરોડા ખાતે માંજલપુરમાં એક રૂ. 8 હજાર લેખે ભાડે ઓફિસ રાખી હોવાનું ખુલતા જુનાગઢ એ ડિવિઝન પોલીસે આ ઓફિસ અને નકલી ડીવાયએસપી ના ઘરની તલાસી હાથ ધરી હતી. ત્યારે ઘરમાંથી રોકડા રૂ. 20.98 લાખ તેમજ ઓનરેબલ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ જુનાગઢનો અસલ સ્ટેમ્પ સિક્કો, ખાખી કવર, કોરા હાજરી રજીસ્ટર, કર્મચારીની સર્વિસ શીટ, લેપટોપ તથા કોમ્પ્યુટર, ઇન્ડિયન રેલવેના લાલ કલરના લોગાવાળા સ્ટીકરની ત્રણ સીટ, કલેકટર ઓફિસ રાજકોટના સિક્કા વાળી ત્રણ સીટ, બે જોડી પોલીસી યુનિફોર્મ તથા આઈ કાર્ડ તેમજ દસ્તાવેજો બનાવવા માટે ઉપયોગમાં લીધેલા બે સીપિયુ સહિતનો મુદ્દામાલ મળી આવતા તે કબજે કરાયો હતો.
આ સાથે નકલી ડિવાયેસપી એ મનીષ જગદીશભાઈ વાજા જુનાગઢ વાળાને ફેમિલી કોર્ટમાં નાઇટમાં પટાવાળા તરીકે એક અઠવાડિયું નોકરી કરાવી હતી. તો સિધ્ધપુર પાટણના કુંડેલ ગામના કનકસિંહ વીજુડી સોલંકીને પોલીસમાં નોકરી અપાવી પોતાની સાથે જ ડ્રાઇવર તરીકે રાખ્યો હોવાનું અને સિદ્ધપુર પાટણના અજીતસિંહ જવાનજી ચોહાણને પોલીસ તરીકે નોકરી આપીને પોતાના કમાન્ડો તરીકે જ્યાં પણ જતો ત્યાં સાથે રાખતો હોવાનું પોલીસમાં ખોલ્યું છે.
અત્રે નોંધનીય છે કે, જુનાગઢમાંથી ઝડપાયેલા નકલી ડિવાયએસપી ના આ અગાઉ જ પોલીસે સાત થી આઠ જેટલા બેંક એકાઉન્ટ ફીઝ કરી દીધા છે. અને પોલીસ તપાસ હજુ જારી છે ત્યારે આ શખ્સના અનેક કરતુંતો અને કારનામા સામે આવે તેવો મનાઈ રહ્યું છે.