મૃતક દર્દીના પરિવારજનોને નાસી ગયાનું અને ભાગેલા દર્દીને મૃતક જાહેર કરતા સિવીલમાં દોડધામ
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મૃતકને નાશેલો અને નાસેલા દર્દીને મૃતક બનાવી દેવાના છબરડા પ્રકરણમાં જવાબદારના તપેલા ચડી જાય તેવા સંકેતો મળી રહ્યા છે.ગત તારીખ 24 ના રોજ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દોલતપરામાં રહેતા અશોક જેઠાભાઈ કણસાગરા એસિડ પી જતા સારવાર માટે દાખલ કરાયા હતા અને તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અને અશોકભાઈનું પીએમ કરાવી લાશ ગોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવાય હતી. બીજી બાજુ તે જ દિવસે જુનાગઢ તાલુકાના ઈવનગરના તુલસીદાસ મણીલાલ નામના દર્દીને મરણ જનાર અશોકભાઈના વોર્ડમાં જ દાખલ થયા કરાયા હતા, અને તેઓ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યા વગર હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા.
પરંતુ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને લીધે બે દર્દીઓના પરિવારજનો ગોટાડે ચડ્યા હતા. કારણ કે, અશોકભાઈના પરિવારજનોએ ગત રવિવારે ખબર અંતર પૂછવા જતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા અશોકભાઈ જાણ કર્યા વિના જતા રહ્યા હોવાનું જણાવતા પરિવાર દ્વારા અશોકભાઈની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઇવનગરના દર્દી તુલસીદાસના પરિવારજનોને તુલસીદાસભાઈ નો મૃતદેહ લેવા આવવા જણાવ્યું હતું. પરંતુ તુલસીદાસભાઈ ખરેખર તો ઘરે હાજર હતા.
આમ હોસ્પિટલના સ્ટાફની ઘોરબેદરકારીના કારણે એક જીવિત દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને મૃત દર્દીને હોસ્પિટલમાંથી ભાગેડુ જાહેર કરવામાં આવતા બંને દર્દીઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જો કે, આ છબરડો સામે આવતા હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલના દફતરમાં છેકછાક થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. અને આ મામલો રફેદ અફે કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા હોવાની પણ શંકાઓ અને વાતો દર્દીના પરિવારજનોમાંથી ઉઠવા પામી છે.
જો કે એક વાત મુજબ જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. સુશીલ કુમાર હાલમાં રજા ઉપર હોય તેવો હાજર થયા બાદ આ પ્રકરણ ફરી ઉખડશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, હમણાં તાજેતરમાં જ એક એક્સપાયરી ડેટનો બાટલો મહિલા દર્દીને બેદરકારી પૂર્વક ચડાવી દેવામાં આવ્યો હતો. અને આ પ્રકરણમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. સુશીલ કુમારે બે નર્સને ફરજ મુકત કરી, અને એક ઇન્ચાર્જ નર્સને અન્ય સ્થળે બદલી કરી કડક અને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ફરી એક વખત હોસ્પિટલની ઘોરરબેદરકારી સામે આવી છે. ત્યારે જૂનાગઢના સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આ મામલે કેવા અને કેટલા કડક પગલાં ભરશે ? તેની સામે સૌ કોઈની મીટ મંડાઈ છે.