આજે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કણજા બેઠકના શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, ઉપપ્રમુખ પદે સરસઈ બેઠકના વિપુલભાઈ છગનભાઈ કાવાણી, કારોબારી ચેરમેન તરીકે સરદારગઢ બેઠકના કંચનબેન લખમણભાઇ ડઢાણીયા, શાસક પક્ષના નેતા તરીકે ચુડા બેઠકના કુમારભાઈ સુરગભાઈ બસીયા અને દંડક તરીકે કુકસવાડા બેઠકના હીરાભાઈ લખમણભાઇ સોલંકીની તાજપોશી થઈ જતા પાંચ વર્ષ બાદ ફરી એક વખત ભાજપ સત્તા પર આવેલ છે.
જ્યારે જુનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ડુંગરપુર બેઠકના મુક્તાબેન હરિભાઈ પરમાર, ઉપપ્રમુખ પદે દયાબેન દિલીપભાઈ ઠુંમર, કારોબારી ચેરમેન તરીકે સુખપુર બેઠકના રસિકભાઈ વેલજીભાઈ ગજેરા, શાસક પક્ષના નેતા તરીકે ગોલાંધર બેઠકના કેતનભાઇ ભનુભાઈ સુખડિયા તથા દંડક તરીકે ઈવનગર બેઠકના મધુબેન વેલજીભાઈ પાથર ચૂંટાઈ આવેલ છે.આજે જૂનાગઢ ખાતે જિલ્લા પંચાયત અને જુનાગઢ તાલુકા પંચાયતનું પ્રથમ બોર્ડ મળયુ હતું અને તેમાં સત્તાવાર રીતે જાહેર થયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાય હતી, બાદમાં તમામ પદાધિકારી ઓએ પોતાના ચાર્જ સંભાળયા હતા. ભાજપે આ તકે પદાધિકારીઓને હારતોરા કરી, ખુશી વ્યક્ત કરી હતી.અત્રે નોંધનીય છે કે, ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવી હતી અને ત્યારબાદ તા. 2 ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માંથી એક બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઇ હતી, અને 29 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણી પરિણામ બાદ કુલ 30 બેઠકોમાંથી ભાજપને 22, કોંગ્રેસને 6 અને અપક્ષને 2 બેઠક મળી હતી. આ ઉપરાંત જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 13 બેઠક ભાજપને, 2 બેઠકો કોંગ્રેસને અને 3 બેઠક આમ આદમી પાર્ટીના મળી હતી.દરમિયાન ગઈકાલે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ભાજપા કાર્યાલયે જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોની બેઠક મળી હતી, જેમાં પ્રદેશ કક્ષાએથી મળેલ વિહપના આધારે જૂનાગઢ જિલ્લા પંચાયત અને જુનાગઢ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. આ મીટીંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી જવાહર ભાઈ ચાવડા, જૂનાગઢ મનપાના મેયર ધીરુભાઈ ગોહેલ, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, વંદનાબેન મકવાણા, માધાભાઈ બોરીચા, નટુભાઈ પટોળીયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ ચૂંટાયેલા તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીમાં 22 હોદ્દેદારોની નિમણુંક થઇ છે. જેમાં 13 વખત પ્રમુખ અને 6 વખત વહિવટદારોનું શાસન રહ્યું હતું જ્યારે 3 વખત ઇન્ચાર્જ પ્રમુખથી કામગીરી કરાઇ હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીમાં પ્રમુખ, ઇન્ચાર્જ પ્રમુખ અને વહિવટદાર મળી કુલ 22 હોદ્દેદારોની નિમણુંક કરાઇ હતી. દરમિયાન આજે ચૂંટાયેલા જીલ્લા પ્રમુખ શાંતાબેન ખટારીયા 23માં પ્રમુખ બન્યા છે. સૌથી પહેલા પ્રમુખ ઉદય ભાણસિંહજી હતા, જ્યારે છેલ્લા પ્રમુખ સેજાભાઇ કરમટા હતા. આજે ચૂંટાયેલા જૂનાગઢ જિલ્લા પંચાયતમાં શાંતાબેન ખટારીયા બીજી વખત પ્રમુખ બન્યા છે. અગાઉ તેઓ 3 જાન્યુઆરી 2015થી 21 ડિસેમ્બર 2018 સુધી પ્રમુખ પદે રહ્યા હતા.
ભેંસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવે તેવી પ્રબળ સંભાવના
કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહે કે પક્ષ પલ્ટો કરે તો ભાજપને લોટરી
જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ગઇ કાલે જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા પંચાયતની હોદેદારોમાં કેશોદમાં પ્રમુખ દેત્રોજા, ઉપપ્રમુખ ઇન્દુબેન રબારી, માણાવદરમાં પ્રમુખ નીરવ પાનસરા, ઉપપ્રમુખ જયેશભાઇ ડાંગર. માળીયામાં ભાવનાબેન સિસોદીયા, ઉપપ્રમુખ કમળાબેન યાદવ. વિસાવદરમાં નિતીનભાઇ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઇ સરધારા. માંગરોળમાં મુરીબેન ચુડાસમા, ઉપપ્રમુખ ઓનશા રફાઇ. વંથલીમાં પ્રમુખ લક્ષ્મીબેન મૈતર, ઉપપ્રમુખ અસ્મિતાબેન ઠુંમર અને મેંદરડામાં રૂપલબેન રાજાણી, ઉપપ્રમુખ કૈલાસબેન ખુમાણનો સમાવેશ થાય છે.
રાજકીય પંડિતોના મત અનુસાર જૂનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાંથી 8 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાશે તે નિશ્ચિત મનાઇ રહ્યું છે જોકે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે ભેંસાણ તાલુાનાં પંચાયત માટે પ્રમુખ જયશ્રીબેન સતાસીયા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ પટોળીયાના નામની જાહેરાત કરી છે. પરંતુ સામે પક્ષે કોંગ્રેસે પણ પોતાના બે ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારે જો પક્ષપલટા ન થાય તો ભેસાણમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે અન્યથા ભાજપ જો અન્ય કોંગ્રેસી સભ્યોને ગેરહાજર રાખે અથવા પોતાના તરફી મતદાન કરાવે તો અહીં પણ ભાજપનું શાસન આવે તેવું મનાઇ રહ્યું છે.