જૂનાગઢ જિલ્લાનાં બોટ માલીકોએ બોટ ગુમ થાય કે સંપર્ક ના થતો હોય તો સવિગત જાણકારી સંબંધિત સરકારી એજન્સીને કરવી ફરજીયાત
જૂનાગઢ તા.૭, જિલ્લામાં આવેલ ચોરવાડ, માંગરોળ મરીન, શીલ ખાતેથી વહાણ/બોટો દરીયામાં માચ્છીમારી માટે જાય છે. અને મોટાભાગની વસ્તી માચ્છીમારીના ધંધા સાથે સંકળાયેલ છે. ગત તા. ૨૯-૧૧-૧૩નાં રોજ મુંદ્રા બંદરથી નૈશાદ ઈશા થૈમ તથા જુસબ સુલેમાન જાફરાબાદી રહે બન્ને મોટા સલાયા તા. માંડવીવાળાની માલીકીનું વહાણ સલાલા ઓમાન જવા ખાંડનો જથ્થો ભરીને ૧૨ ક્રુમેમ્બરો સહિત રવાના થયેલ હતુ. મુંદ્રા બંદરેથી નીકળ્યા બાદ તા. ૨-૧-૧૪ ના રોજ વહાણનું સોમાલીયન ચાચીયાઓએ અપહરણ કરેલ પરંતુ આ વહાણ ગુમ થવા સંબંધે તેના માલીકે કોઇ એજન્સીને કે સરકારી તંત્રને જાણ કરી નોંધ કરાવેલ ના હતી. આ એક રાષ્ટ્રીય સલામતીને સ્પર્શતી ગંભીર ઘટના છે. વહાણ ગુમ રહ્યુ હોય તે સમયગાળા દરમ્યાન વહાણ કે વહાણનાં ક્રુમેમ્બરનો રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં ઉપયોગ થયો હોય તે બાબત નકારી શકાય નહીં. આવી ઘટનાઓ અટકી શકે તે માટે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવેલ વહાણ/બોટ માલીકે જ્યારે પોતાનું વહાણ/બોટ વાતાવરણીય કારણસર /સાંચીયાઓ દ્વારા અપહરણ થવાનાં કારણસર કે અન્ય કોઇપણ કારણોસર વહાણ/બોટ ગુમ થાય કે વહાણ/બોટ સાથેનો તેના માલીકનો સંપર્ક નિશ્વીત સમયગાળા બાદ ના થતો હોય તો તે બાબતોની જાણ સંબંધિત તમામ સરકારી એજન્સીને ફરજીયાત કરવા જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.વી.અંતાણીએ ફોજદારી કાર્યરીતીઅધિનીયમ ૧૯૭૩(૧૯૭૪નાનં-૨)ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ તા. ૯મી જૂન-૧૮ થી ૬૦ દિવસ સુધી અમલી બને તેમ આદેશ ફરમાવેલ છે. આદેશ મુજબ વહાણ બોટ માલીકોએ સાત કોલમમાં વિગતો રજુ કરવી ફરજીયાત છે. જેમાં પ્રથમ ક્રમ, બીજા કોલમમાં વહાણ બોટનું નામ તથા નંબર, ત્રીજા કોલમમાં વહાણ બોટ માલીકનું નામ તથા સરનામુ તથા સંપર્ક નંબર,ચોથા કોલમમાં વહાણ/બોટમાં રવાના થયેલ ટંડલ ખલાસીઓનાં નામ તથા સરનામાની વિગતો, પાંચમાં કોલમમાં વહાણ/બોટ રવાનાં થયાની તારીખ સમય અને સ્થળ, છઠ્ઠા કોલમમાં વહાણ/બોટ પરત આવવાની સંભવીત તારીખ, સાતમાં કોલમમાં અન્ય જરૂરી વિગતો સાથે સરકારી તંત્ર અને સંબંધિત એજન્સીને જાણકારી આપવી ફરજીયાત છે. હુકમનો ભંગ ભારતીય દંડ સંહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ
પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કોસ્ટલ વિસ્તાર સહિત આંતરીક સુરક્ષા જાળવવામાં આવે છે. પરંતુ હાલની પ્રવર્તમાન આંતકવાદીપ્રવૃતિને ધ્યાને લઇ સવિશેષ તકેદારી રાખવી આવશ્યક હોય, તેમજ વાઇટલ ઈન્સ્ટોલેશન તથા અન્ય સરકારી કચેરીઓની સલામતી હીતાવહ હોય, રીમોટ કંટ્રોલ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો ગેરલાભ લઇ જૂનાગઢ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડે નહીં તે માટે સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પારાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા બાબતે ફોજદારી કાર્યરીતી અધિનીયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા થયેલ દરખાસ્ત વ્યાજબી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.વી.અંતાણીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ના નં-૨)ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂઇએજૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પારાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે. આ હુકમ તા. ૯મી જૂન ૨૦૧૮ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જૂનાગઢ જિલ્લામાં ૧૯મી જૂન સુધી સભા સરઘસ બંધીનું ફરમાન જારી
જૂનાગઢ તા.૭, સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે તકેદારી રાખવી આવશ્યક હોય તેમજ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં જાહેર સુલેહ શાંતી જળવાઇ રહે તે હેતુસર સભા સરઘસ વગર પરવાનગીએ કોઇ કાઢે નહીં તે માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ થવા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત થતાં ગુજરાત પોલીસ અધિનીયમ ૧૯૫૧નાં આંક ૨૨ની કલમ ૩૭ ની પેટા કલમ-૩ થી મળેલ અધિકારની રૂઇએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.વી.અંતાણીએ સમગ્ર જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં તા. ૦૬-૦૬-૨૦૧૮ થી ૧૯-૦૬-૨૦૧૮ સુધી (બન્ને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા કે સરઘસ માટે મનાઇ હુકમ ફરમાવેલ છે. આ હુકમ ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યક્તિને, કોઇ લગ્નનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિને, સક્ષમ અધીકારીશ્રીની કાયદેસરની પરવાનગી ધરાવનાર વ્યક્તિને લાગુ પડશે નહીં, જાહેરનામાનાં કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનીયમ કલમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૩) મુજબ દંડને પાત્ર થશે.