કોરોના સામેના રક્ષણ માટે રામબાણ ઇલાજ કોરોના વેક્સીન છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના દરેક નાગરિકોને કોરોના વેક્સીન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
ત્યારે આજે વરસતા વરસાદમાં ભવનાથ ખાતે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સહિતના અધિકારીઓએ લોકોને કોરોના વેક્સીન લેવા આહવાન કરી દર્શાનાર્થીઓ અને સંતોને વેક્સિન વિશે માહિતી આપી રસીકરણ કરાયું હતું.જૂનાગઢ જિલ્લાના દરેક નાગરિકોને કોરોના વેક્સીન મળી રહે અને જૂનાગઢ જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે જિલ્લા કલેક્ટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ અને આસિસ્ટન્ટ કલેક્ટર અંકિત પન્નુ, ઇ.એમ.ઓ. ડો જાવીયા સહિતના અધિકાર કટિબધ્ધ છે.
અને આજે ચાલુ વરસાદમાં ભવનાથ મંદિર ખાતે પહોંચી ગયા હતા તથા ભવનાથ વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ અને સંતોને પણ કોરોના વેક્સિન વિશે સમજાવી લોકોને રસીકરણ કરાવ્યું હતું. તથા ચાલુ વરસાદમાં પણ પોતાની કામગીરી પ્રત્યે નિષ્ઠા દાખવનાર આરોગ્ય કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ ધોધમાર વરસાદમાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોને વેક્સિન આપવા પહોંચી જાય છે. પાણીમાં ચાલી પોતાના સેન્ટર સુધી પહોંચી લોકોને કોરોનાની રસી આપી કોરોનાથી રક્ષિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં તા. 30/9 સુધિમાં 9,23,332 એટલેકે 88.15 ટકાને પ્રથમ ડોઝ અને 3,28,375 લોકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.