જૂનાગઢમાં બનેલ મારામારીની ઘટનમાં અંતે 11 શખ્સો સામે નામ જોગ જ્યારે અજાણ્યા 30 માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવા પામી છે. ગઈકાલે ભર બપોરે બનેલ આ બઘડાટી એ શહેરભરમાં સન્નાટો મચાવી દીધો હતો.
શનિવારે બપોરના 3 વાગ્યાના અરસામાં શહેરના ઢાલ રોડ ઉપર આવેલ જનતા એગઝ નામની ઈંડાની દુકાન પર એક મોટું ટોળું લાકડી, પાઈપ જેવા હથિયારો સાથે ઘસી ગયું હતું. દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી, અને બાદમાં હુમલો કરી દેતા મારામારી શરૂ થઈ હતી, જેમાં ત્રણેક જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
11 શખ્સો સહિત 30 માણસોના ટોળા સામે ફરિયાદ
શનિવારે ઘટેલ આ ઘટનામાં દુકાન અને વાહનોમાં નુકસાન થવા પામ્યું હતુ. જો કે ઢાલ રોડ ઉપરના સ્થાનિક રહેવાસીઓ તથા દુકાનદારો વચ્ચે પડતા મામલો શાંત પાડ્યો હતો, આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને વધુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી હાથ ધરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે બાદમાં ઢાલ મસ્જીદ સામે રહેતા મુખ્તારઅહેમદ અબ્દુલહમીદ શેખ એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેની દુકાનમા કામ કરતા માણસોને ત્યાથી કામ છોડી જવા દુકાનમા અગાઉ કામ કરતા રીયાઝ હુસેન બેલીમ ચઢામણી કરતો હોય જેથી દિકરા સાહીલે આ રીયાઝને આવુ ન કરવા કહેવા જતા રિયાઝ,આદિલ કોતલ, ગુલામ શાબ્બીર ઉર્ફે બુલેટ દુર્વેશ તથા બીજા ત્રીસેક જેટલા માણસો ગેર કાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઉદેશથી લાકડી, ધોકા તથા પાઈપ જેવા હથીયારો ધારણ કરી મુખ્તારઅહેમદ અબ્દુલહમીદ શેખને માથામા તથા શરીરે મુંઢ ઇજાઓ કરી તેમજ ઇંડાની દુકાનમા તથા મોટર સાયકલમાં તોડફોડ કરી નુક્શાન પહોચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.