રસ્તાના કામો માટે 12 કરોડ ખર્ચાશે: શ્રવણકુમાર યોજના માટે માસીક 2.24 લાખ મંજૂર
જુનાગઢ મનપાની ગઈકાલે મળેલી બેઠકમાં વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે જોષિપુરા ના એક વિવાદિત કોમ્પલેક્ષ માટે રૂ. 5.74 કરોડની જમીન ખરીદવા મનપા દ્વારા અઢી ગણી ફી ચૂકવશે તેવો બહુમતીના જોરે નિર્ણય લેવાયો હતો, આ સિવાય વિવિધ મુદ્દાએ વિપક્ષે વાંધા ઉઠાવતા મનપાની ગઈકાલની જનરલ બોર્ડની બેઠક ભારે ઉગ્ર બની હતી, જો કે, શાસક ભાજપ બોડીએ બે ઠરાવ બહુમતીથી મંજૂર કર્યા હતા, જ્યારે 4 દરખાસ્તો કમિશનર તરફ યોગ્ય કાર્યવાહી માટે મોકલાઈ હતી.
જો કે, તે સાથે જુનાગઢ વાસીઓ માટે એક રાહતનો નિર્ણય એ લેવાયો છે કે, જુનાગઢના ખાડા ખબડા અને ધુડિયા રસ્તાઓની પરેશાની માંથી જૂનાગઢના નગરજનો અને અહીં આવતા લાખો પ્રવાસીઓ મુક્ત થાય તે માટે રસ્તાના કામો માટે રૂ. 12 કરોડ ખર્ચાશે. આ ઉપરાંત શ્રવણકુમાર યોજના માટે માસિક રૂ. 2,24,500 મંજૂર કરાતા હવે સિનિયર સિટીઝનો ઘર બેઠા શ્રવણકુમાર યોજનાનો લાભ લઈ શકશે.
જુનાગઢ મનપાની જનરલ બોર્ડની ગઈકાલે બેઠક મળી હતી. આ બેઠક માં મહાનગરના રસ્તાની પ્રાથમિક સુવિધા માટે રૂ. 12 કરોડની મંજૂરી અપાય છે. જેથી શહેરના મુખ્ય માર્ગોના કામ હવે સત્વરે હાથ ધરવામાં આવશે. તે સાથે જૂનાગઢ મહાનગરમાં 65 વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝનો માટે શ્રવણ કુમાર યોજના શરૂ કરવામાં આવેલ છે. જે માટે જરૂરી મેન પાવર અને સામગ્રી પૂરી પાડવા માસિક રૂ. 2,24,500 ના ખર્ચને મંજૂરી અપાય છે, આ ઉપરાંત આ સ્થાયી કમિટીની બેઠકમાં ડોગ સ્ટરીલાઇઝેશન ટેન્ડરની શરતોને મંજૂર કરવામાં આવતા શ્વાનના ત્રાસ માંથી શહેરીજનોને મુક્તિ મળશે.
ભાજપના 11 સિનિયર નેતાઓ, કમિશનર ગેરહાજર
જુનાગઢ મનપાની ગઈકાલે મળેલ જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 11 જેટલા સિનિયર કોર્પોરેટરો કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા જેના રજા રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. ગઈકાલના જનરલ બોર્ડમાં મનપાના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, શાસક પક્ષના દંડક, ભાજપના શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મૈયર મહેન્દ્રભાઈ મશરૂ, મનપાના કોર્પોરેટર અને હાલમાં જ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સંજયભાઈ કોરડીયા સહિતના ભાજપના સિનિયર કક્ષાના નેતાઓ ગઈકાલે જનરલ બોર્ડમાં હાજર ન રહેતા મનપાનું જનરલ બોર્ડ પાંખું લાગતું હતું, આ સાથે મનપાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર પણ ગઈકાલના જનરલ બોર્ડમાં હાજર રહ્યા ન હતા.