જૂનાગઢ મનપાની યોજાયેલી પેટા ચૂંટણીમાં એનસીપી પાસેથી કોંગ્રેસે સીટ ખૂંચવી લીધી છે. રવિવારે આ સીટ માટે થયેલા મતદાનમાં મતદાતાઓએ કોંગ્રેસ તરફ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પોતાના પ્રતિનિધિ તરીકે રજાકભાઈ હાલા ને પોતાના મત આપી વિજય બનાવ્યા છે. આ ચુંટણી જંગમાં અન્ય ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા પામી હતી.
જુનાગઢ વોર્ડ નં. 8 ના એનસીપીના કોર્પોરેટર વિજયભાઈ વોરાનું દુ:ખદ અવસાન થતાં તેમની સીટ ખાલી થવા પામી હતી અને આ સીટ માટે કોંગ્રેસના રજાકભાઇ હાલા એનસીપીના મહેબુબભાઇ વિધા અને ભાજપના અશ્વિનભાઈ ગોસ્વામી એ દાવેદારી નોંધાવી હતી ત્યારે રવિવારે જૂનાગઢ ખાતે વોર્ડ નં. 8 ની પેટા ચૂંટણી યોજાઈ હતી. જે માટે રવિવારે જૂનાગઢમાં વોર્ડ નં. 8 ના કુલ 24 બૂથમાં 9,314 સ્ત્રી, 9559 પુરુષ અન્ય 2 મળી કુલ 18,875 મતદારોમાંથી 49.48 ટકા મતદાન થવા પામ્યું હતું.દરમિયાન આજે સવારના 8:30 વાગ્યા છે વોર્ડ નંબર 8 ની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને મત ગણતરીના અંતે કોંગ્રેસના ઉમેદવાર રજાકભાઈ હાલાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે આજે વોર્ડ નં. 8 ની પેટા ચૂંટણીના પરિણામ કોંગ્રેસ તરફી આવતાં મનપામાં કોંગ્રેસનું સંખ્યાબળ 3 થવ પામ્યું છે. આ અગાઉ મનપાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની એકમાત્ર સીટ આવી હતી. ત્યારબાદ વોર્ડ નંબર 5 ની પેટાચૂંટણી યોજાઇ હતી અને તે પેટા ચૂંટણીમાં ભાજપ પાસેથી કોંગ્રેસે આ સીટ ખૂંચવી લેતા મનપાનું સંખ્યાબળ 2 સભ્યોનું થવા પામ્યું હતું. દરમિયાન રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા પામ્યું છે ત્યારે આ ચૂંટણીમાં એનસીપી પાસેથી કોંગ્રેસે સીટ આંચકી લેતાં હવે જૂનાગઢ મનપામાં કોંગ્રેસના ત્રણ સદસ્યો વિરોધ પક્ષમાં બેસશે.
જૂનાગઢ મનપામાં આજે કોંગ્રેસે વિજય હાંસલ કરતા કોંગ્રેસમાં એક ઉત્સાહનો માહોલ છવાયો છે અને કોંગ્રેસના વિજેતા ઉમેદવાર રજાકભાઈ હાલાને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ સહિતના કોંગી અગ્રણીઓ તથા કાર્યકરો અને વોર્ડ નં. 8 ના કોંગ્રેસના મતદાતાઓ દ્વારા શુભેચ્છા પાઠવી, રજાકભાઈના વિજયને વધાવવામાં આવ્યો હતો.