સમગ્ર વિશ્વમાં આગામી વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવાશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ-2023 ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આરોગ્યપ્રદ બાજરી-જાડા અનાજને આરોગવાથી થતા લાભો અંગે વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે કલેક્ટર રચિત રાજે વર્ષ-2023ના પ્રારંભ પૂર્વે જ આગવા અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રાત્રિ ભોજન કરી આરોગ્યપ્રદ બાજરીના રોટલા અને ઓળાનો સ્વાદ માણ્યો હતો. આ સાથે કલેકટર રાજે લોકોને પોષક તત્વોથી ભરપૂર બાજરી જાડા-અનાજને પોતાના આહારમાં સામેલ કરવા માટે નવીન અભિગમ સાથે સંદેશ આપ્યો છે.
કલેક્ટરના નિવાસ્થાને આ રાત્રિ ભોજનમાં વંથલીના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હનુલ ચૌધરી ઉપરાંત ચીટનિસ ટુ કલેકટર, મામલતદાર ડિઝાસ્ટર, ઝોનલ અધિકારી સહિતના અધિકારીઓએ આરોગ્યપ્રદ બાજરીના રોટલાના ભોજનનો આનંદ માણ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર વિશ્વમાં બાજરી-જાડા અનાજને આહારમાં સામેલ કરવા માટે એક જાગૃતિ ઊભી થાય. ત્યારે જૂનાગઢ કલેક્ટર રચિત રાજે પણ સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા બાજરીના રોટલા અને ઓળાનો સ્વાદ માણી લોકોને પણ પોતાના આહારમાં બાજરી અને જાડા અનાજમાંથી બનેલ આહારને પોતાના ભોજનમાં સામેલ કરવા માટે આગવી રીતે સંદેશ આપ્યો છે.
અત્રે એ નોંધનીય છે કે, આરોગ્ય માટે બાજરીના ફાયદાઓ પણ સવિશેષ છે, બાજરીના લોટમાંથી બનાવેલ આહારમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગ્નીઝ ફોસ્ફરસ, વિટામીન બી એન્ટીઓક્સીડન્ટ વગેરે જેવા ભરપૂર પોષક તત્વો હોય છે.