સોરઠના ભૂલકાઓનો શાળામાં રંગેચંગે પ્રવેશ

જૂનાગઢ જિલ્લામાં તા. 23 જુન થી 6 વર્ષ પૂર્ણ કરનાર ભૂલકાઓને ધોરણ 1 માં રંગેચંગે પ્રવેશ આપવામાં આવી રહયો છે. જૂનાગઢ  જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે, શાળાઓને શણગારવામાં આવી છે. જિલ્લાભરમાં રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓની સાથે રાજશ્રીઓ અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં તા. 25 જુન સુધી શાળા પ્રવેશોત્સવના આયોજન કરવામાં આવ્યા છે. પ્રવેશપાત્ર ભૂલકાઓને સ્કુલ બેગની સાથે અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિ માટેના પુસ્તકો -સાધનો આપી શાળા પ્રવેશના વધામણા કરવામાં આવી રહ્યા છે.

આ સાથે જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન જિલ્લાની 370 ક્ધયાઓને રૂ 13.86 લાખના વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવાશે.

જિલ્લા કલેકટર રાજની પ્રેરક ઉપસ્થિતિમાં આંબેડકર નગર તથા લીરબાઈનગર પ્રાથમિક શાળા અને પ્રાયોગિક પે.સેન્ટર શાળામાં પ્રવેશપાત્ર 88 નાના ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડીમાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કલેકટર રાજે ધોરણ-1 માં પ્રવેશનાર આ નાના બાળકોને વ્હાલથી આવકાર્યા હતા અને અભ્યાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરી આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

મહાનગરના મેયર ગીતાબેન પરમાર દ્વારા જૂનાગઢ શહેરની વણઝારી પ્રાથમિક શાળા, જાલોરાપા પે.સેન્ટર શાળા તથા મારી શાળામાં છ વર્ષના નાના ભૂલકાઓને ધોરણ-1માં તથા આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દેસાઈની ઉપસ્થિતિમાં આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું તથા એક કિલોમીટર દૂરથી બાળકો વિના મૂલ્યે શાળાએ વાહનમાં આવી શકે તે માટે ટ્રાન્સપોર્ટેશન સેવાને મેયરના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી.

શાંતિપરામાં    કાર્યરત પ્રાથમિક શાળામાં ડેપ્યુટી ડાયરેક્ટર   શિક્ષણ ડો. અમિત ધનેશ્વર અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં 12  ક્ધયા અને 20 કુમાર એમ કુલ 32 ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણ સંસ્કારનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.વારા, શાળાના બાળકો, વાલીગણ, શાળાના શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન જિલ્લાની 370 ક્ધયાઓને રૂ 13.86 લાખના વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવાશે. ઉલ્ખેનીય છે કે, વર્ષે 2002-03 થી વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં મુકવામાં આવી હતી.

ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવતા હતા.જેમાં ચાલુ વર્ષે 370 ક્ધયાઓને બોન્ડની મુદત પાકતી હોય રૂ. 13.86 લાખ ચૂકવાશે. શાળા પ્રવેશોત્સવ દરમ્યાન આ બોન્ડ ચૂકવવામાં આવશે.

ભલગામમાં આંગણવાડીમાં પાપા પગલી કીટ આપી કરાયો પ્રવેશ

જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુકત ઉપક્રમે આઈ.સી.ડી.એસ દ્વારા  ભલગામ આંગણવાડી ત્થા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી મહોત્સવ ત્થા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામા આવ્યું હતુ. આ કાર્યક્રમમાં સચિવાલય, ગાંધીનગરના વૈધાનિક અને સંસદીય બાબતોના કુ.યુ.ડી. સુતરીયા, તથા જૂનાગઢ ઘટક-2 નાં સંકલિત બાળ વિકાસ અધિકારી ગુણવંતીબેન પરમાર, શાળા  પ્રિંન્સિપાલ તથા ગામનાં સરપંચ  ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 3 વર્ષના બાળકો ને કુ.યુ.ડી. સુતરીયા તથા ગુણવંતીબેન પરમાર દ્વારા પા પા પગલીની કીટ આપી આંગણવાડી પ્રવેશ કરાવવામાં આવેલ હતો. તથા શાળાના બાળકો ને પુસ્તકો આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવેલ હતો.  આ પ્રસંગે કુ.યુ.ડી. સુતરીયા, ગુણવંતીબેન પરમાર ત્થા શાળા પ્રિંસિપાલ દ્વારા બાળકોને જીવન માં ઉતરોતર પ્રગતી કરી સફળતા ના શિખરો હાંસલ કરવા પ્રોત્સાહિત કરતા માહિતી સભર પ્રવચન આપવામાં આવેલ હતા.

માખીયાળામાં વિદ્યાર્થીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ રકમનો ચેક અર્પણ

જૂનાગઢના માખીયાળા, જાલણસર અને વાણંદીયા ગામમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી એ.જે. અસારીની પ્રેરક ઉપસ્થિતિમાં ભૂલકાઓને સ્કુલ બેગની સાથે અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિ માટેના પુસ્તકો -સાધનો આપી શાળા પ્રવેશના વધામણા કરવામાં આવ્યા હતા. તથા વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે એ.જે. અસારીએ બાળકો સાથે કાલી ઘેલી ભાષામાં સંબોધન કરતા બીમારીઓથી દૂર રહેવા માટે નિયમિત પોષણક્ષમ ખોરાક લેવા, સ્વચ્છતા રાખવા અને સુટેવો વિકસાવવા આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો. તથા વિપરીત પરિસ્થિતિઓમાં નિરાશ થયા વગર ઊંચા ધ્યેય અને વિચાર સાથે આગળ વધવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.