પ્રસુતાની યોગ્ય સારવાર ન કરવાથી શીશુનું મોત નિપજયું: જવાબદાર સામે પગલા ભરવાની માંગ.
માંગરોળથી એક દંપતિ પરિવારની સ્ત્રીની ડિલેવરી કરાવવા સબબ જુનાગઢ સીવીલમાં દાખલ થયું હતું. ગત ગુરુવારે દાખલ થયેલ સ્ત્રીની તબિયત અંગે ફરજ પરના ડોકટરોને સઘળી હકિકતથી તેમના સગાઓએ વાકેફ કર્યા છતાં પણ ડોકટરોએ સારવારમાં ભયંકર બેદરકારી દાખવવાનો સણસણતો આક્ષેપ મહિલાના પતિ યુનુસભાઈએ કરી આ અંગેની ફરિયાદ કરતા તબીબી બેડામાં ચકચાર વ્યાપી ગઈ હતી. આ અંગે ડોકટરો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બાળક શરૂઆતથી જ ઈન્ફેકટેડ હતું અને મૃત્યુ પામેલ હતું. દર્દીને બચાવવા સીઝેરીયન કરવું ફરજીયાત હતું જે મુજબ ડોકટરોએ કર્યું છે માટે ફરિયાદીની ફરિયાદમાં તથ્ય ન હોવાનું સિવિલ સર્જન સુખાનંદીએ રટણ કર્યું હતું.
આ અંગે વધુ વિગત અનુસાર માંગરોળના યુનુસભાઈ પીરજીએ જણાવ્યું હતું કે, તેઓએ પોતાની પત્નીને ડિલેવરી માટે માંગરોળ સીવીલમાં દાખલ કરેલ જયાંથી ડોકટરોએ જણાવ્યું હતું કે, બાળક મળ ખાઈ ગયું હોય જુનાગઢ સિવિલમાં દાખલ કરો તો બચવાની શકયતા છે. બાદમાં યુનુસભાઈએ ગુરુવારે જુનાગઢ સિવિલમાં પત્નીને દાખલ કર્યા હતા ત્યારે ડોકટરને સઘળી હકિકતથી વાકેફ કરવા છતાં ડોકટરે વાતને માની ન હતી ઉલ્ટાનું ઉઘડો લેતા જણાવ્યું હતું કે, ડોકટર તમે છોકે હું તમને વધુ ખબર પડે કે મને એમ કહી ઓપરેશન કર્યું ન હતું.
બાદમાં તબિયત બગડી અને બાળક ફરકતું બંધ થતા આ મામલે ફરી ડોકટરને જાણ કરી હતી. બાદમાં શુક્રવારની મોડીરાત્રીના સીઝેરીયન ઓપરેશન કર્યું હતું અને બાળક મૃત્યુ પામેલ જન્મયું જો ગુરુવારે જ સારવાર કરી હોત તો બાળક બચી ગયું હોત. આમ ડોકટરની બેદરકારીથી બાળકનું મોત થયાનો આક્ષેપ સાથે દંપતીએ સીવીલ સર્જનને રજુઆત કરી જવાબદાર ડોકટર સામે પગલા લેવા માંગ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com