જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે સોશિયલ મીડિયા પર ધમકીઓ આપ્યાની ફરિયાદ થતાં શહેરભરના રાજકારણમાં ફરિયાદને લઈને ચર્ચાઓ ઉઠવા પામતા હાલ સ્થાનિક ભાજપ કોંગ્રેસનું રાજકારણ ગરમાવા પામ્યું છે. ફરિયાદીએ જિલ્લા પોલીસવડાને તેમજ રેન્જ આઈજી અને પીઆઈ આ અંગે લેખીતમાં અરજી આપી પગલા લેવા વિનંતી કરાઈ હતી.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ શહેરના ઝાંઝરડા વિસ્તારમાં રહેતા તેમજ શહેર યુવા ભાજપમાં ઉપાધ્યક્ષ તરીકે કામ કરતા વેપારી હિમાંશુભાઈ સામતભાઈ ગોરાણીયા (ઉ.વ.૨૫) વાળાએ જિલ્લા પોલીસવડાને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા શહિદોને શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં ખોટા શબ્દો ઉચ્ચાર્યા અંગેની પોષ્ટ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી હતી. ત્યારબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ ફરિયાદીને ધમકીભર્યા મેસેજો કર્યા હતા. તેમજ આ ઉપરાંત ફેસબુક એકાઉન્ટમાં પણ આ રીતે ધમકીઓ આપતા ફરિયાદીએ જિલ્લા પોલીસવડા, પીઆઈ રેન્જ આઈજી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. બનાવને લઈને શહેરના કોંગ્રેસ તેમજ ભાજપના સૂત્રોમાં ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી.