અબતક,દર્શન જોશી
જૂનાગઢ
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ અને એનએસયુઆઇ દ્વારા પેપર લિકેજ થવાની વારંવાર બનતી ઘટનાઓ છતાં કોઈ સામે પગલાં લેવામાં આવતા ન હોય આ મુદ્દે ગઈકાલે જિલ્લા કલેકટર કચેરી ખાતે રસ્તા રોકી હલ્લા બોલ આવ્યો હતો ત્યારે પોલીસેે 13 ની અટકાયત કરી હતી.
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ અને એનએસયુઆઇ દ્વારા પેપર લિકેજ મુદ્દે કરવામાં આવેલ હલ્લાબોલ સામે સી ડિવિઝન પીએસઆઈ જે.જે. ગઢવી તથા સ્ટાફે પગલા ભરતા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત પટેલ, એનએસયુઆઇ પ્રમુખ યુગ પુરોહિત સહિત 13 ની અટકાયત કરી હતી. અને એક કલાક બાદ તમામનો છુટકારો કરાયો હતો.
શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખના જણાવ્યા અનુસાર, હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયેલું સરકારે સ્વીકાર્યું છે, અગાઉ પણ 2014 માં જીપીએસસી ચીફ ઓફિસરની પરીક્ષાનું પેપર, 2015 માં તલાટી-મંત્રીની પરીક્ષાનુ પેપર,2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનુ પેપર, 2018 માં ટાટ, એલઆરડી, મુખ્યસેવિકા, નાયબ ચીટનીશની પરીક્ષાનું પેપર, 2019 માં બિન સચિવાલય કારકુનની પરીક્ષાનુ પેપર, 2021 માં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું છે. આમ પેપર લીક થવાની ઘટના બનવા છતાં સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા નથી. પરિણામે અમારેે રસ્તા રોકો કાર્યક્રમ કરવાની ફરજ પડી છે, ત્યારે સરકાર પરીક્ષા રદ કરી, જવાબદારો સામે પગલાં લે તેવી માંગ છે. આ તકે મનોજભાઈ જોશી, મનુભાઈ ધાધલ, કિશોરભાઈ હદવાણી, મનસુખભાઈ ડોબરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.