હાઈકોર્ટના આદેશ બાદ હરકતમાં આવેલા તંત્રની કામગીરી દેખાય: હવે કેટલ કેમ્પની સફાઈનો મોટો પડકાર
હાઇકોર્ટના આદેશ બાદ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કેટલ પાઉન્ડ શાખાની 21 કર્મીઓની ટીમ દિવસ રાત શહેરમાં કાર્યરત કરવામાં આવી છે. અને 1500 જેટલા રસ્તે રજડતા પશુઓને ડબ્બે પુરાયા છે, જેના કારણે જૂનાગઢમાં સુખનાથ ચોક પાસે આવેલ સાવજનો ડેલો અને બીજો ઝાંઝરડા ચોકડીએ ટોરેન્ટ ગેસ ની બાજુમાં રોડ પર આવેલ ડેલામાં ચાલતા બે ઢોરવાડા હાઉસફુલ થતા ત્રીજો ઢોરવાડો ખોલવાની તથા નવા ઢોરવાડા બનાવવા સરકાર પાસે બે સ્થળે જમીનની માંગ કરવાની નોબત આવી છે.
જુનાગઢ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો હોવાની અને તેના કારણે અનેક અકસ્માતો થતા હોવાની ફરીયાદો તેમજ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની વાતો સામે આવી હતી, તેવામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ થતા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ હરકતમાં આવ્યા હતા કેટલા પાઉન્ડ શાખાના 21 અધિકારીઓ, કર્મીઓની 3 ટીમ બનાવડાવી શહેરમાં થોડાક દિવસોથી ઢોર પકડવાની કામગીરી પુરજોસમાં શરૂ કરાવવામાં આવી છે. જે દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 1500 જેટલા પશુઓને પકડી ડબે પૂરી દેવામાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
એ સાથે એ વાત પણ સામે આવી આવી છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાની 3 ટીમો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી શહેરના વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગો ઉપર રઝડતા ઢોરને પકડવાની શરૂ કરવામાં આવી છે તેના કારણે મહાનગરપાલિકાના બંને ઢોરવાડા હાઉસફુલ થયા છે, તો બીજી બાજુ ચોમાસાની હાલમાં સિઝન ચાલી રહી છે, ત્યારે હાઉસ ફૂલ થઇ ગયેલ ઢોરવાડામાં ગંદકી અને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. જો કે, મનપાની સેનિટેશન શાખાની ટીમો દ્વારા અહીં જેસીબી સહિતના સાધનો સાથે સાફ-સફાઈની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
મનપાની કેટલ પાઉન્ડ શાખાની એક ટીમના 7 કર્મચારીઓ એવી 3 ટીમો દ્વારા શહેરમાં રાત દિવસ કાર્યરત છે, જેમાંની એક ટીમ રજડતા પશુઓને રસ્તા પરથી દૂર કરે છે, તો બીજી બે ટીમ ડબે પુરવાની કામગીરી કરી રહ્યા છે, જેથી બંને ઢોરવાડા હાઉસફુલ થઈ ગયા છે, અને હાલમાં ત્રીજો ઢોરવાડો ત્રિમંદિર સામે ખોલવામાં આવી રહ્યો છે, જ્યાં 300 જેટલા પશુઓને રાખવાની કેપેસિટી છે.
આ સાથે તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં જુનાગઢ મનપાના ઢોર વાડામાં રાખવામાં આવેલા ગૌવંશના નિભાવ અને જાળવણી માટે રૂ. 50 લાખ પણ મંજૂર કરવામાં આવ્યા છે તથા નવા ઢોરવાડા બનાવવા માટે સરગવાડા અને ચોબારી ગામના સરકારી ખરાબની જમીનની મનપા દ્વારા માંગણી કરવામાં આવી હોવાનું મનપા સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે.