ગુજરાતના ગઢને અકબંધ રાખવા વડાપ્રધાન મોદીની આગામી ૧૦મીએ જૂનાગઢ અને સોનગઢમાં જાહેરસભા સંબોધશે: જૂનાગઢમાં મોદીની સભા રાજકીય ઇતિહાસને
પલટાવશે કે પુનરાવર્તન કરશે તેના પર રાજકીય પંડીતોની મીટ
ભર ઉનાળામાં યોજાનારી લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીના પ્રચાર કાર્યનો ધીમેધીમે પ્રારંભ થયો છે.ત્યારે ફરીથી રાજયની તમામ ૨૬ બેઠકો કબ્જે કરીને ગુજરાતનાં ગઢને અકબંધ રાખવા ભાજપે આગામી ૧૦મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે જાહેરસભાઓનું આયોજન કર્યું છે. જે માટે આ ચૂંટણીમાં જયાં ખરાખરીનો જંગ થવાની સંભાવના છે. તેવા સૌરાષ્ટ્રના જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના સોનગઢમાં વડાપ્રધાન મોદીની જાહેરસભા યોજવામાં આવનારી છે. પરંતુ, જૂનાગઢનાં રાજકીય ઈતિહાસ પર નજર નાખીએ જૂનાગઢના ઉમેદવારોને અત્યાર સુધી વડાપ્રધાનનો પ્રચાર ફળ્યો નથી અને વડાપ્રધાન જે ઉમેદવારના પ્રચારાર્થે આવ્યા હોય તે ઉમેદવારની કારમી હાર થઈ છે. જેથી મોદી ભાજપના ઉમેદવારને જીતાવીને ઈતિહાસને પલ્ટાવશે કે ઈતિહાસનું પુનરાવર્તન થશે તેવો સમય કહી શકે તેમ છે.
જૂનાગઢની રાજકીય તવારીખમાં નજર કરીએ તો અનાયાસે ન માનવામાં આવે તે રીતે સાચી પડી રહી છે. ચૂંટણી તવારીખમાં જૂનાગઢ મતક્ષેત્રમાં જયારે જયારે દેશના વડાપ્રધાન ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. ત્યારે તે પક્ષના ઉમેદવાર વિજયથી વંચિત રહે છે. જૂનાગઢના રાજકીય ઈતિહાસમાં સ્વ.ઈન્દિરાગાંધી, પ્રચાર માટે આવ્યા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર બદરમીયા મુન્શી વિજયથી વંચિત રહી ગયા હતા.
ત્યારે પછી સ્વ. રાજીવ ગાંધી ચૂંટણી પ્રવાસે આવ્યા અને જૂનાગઢમાં જાહેરસભા યોજી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મૌલા પટેલ સામે જનતાદળ એસના ગોવિંદભાઈ સેખડા જીતી ગયા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી જૂનાગઢમાં પ્રચારાથર્ષ આવ્યા હતા ત્યારે જૂનાગઢની બેઠક પર સતત વિજય થતા રહેતા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે કોંગ્રેસના ભીખાભાઈ જોષીના વિજય થયો હતો. જૂનાગઢની બેઠક પર ઉમેદવારને વડાપ્રધાનનો પચ્રાર ફળતો નહોવાની આ પરંપરા ભલે અનાયસે સર્જાતી ઘટનાઓ હોય રાજકીય ઈતિહાસમાં તેની નોંધ જરૂર લેવાય છે.
લોકસભાની ચૂંટણીનો માહોલ હવે બરાબર જામી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજના સરસેનાપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મી એપ્રીલે ગુજરાતનાં ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. રાજયમાં ૨૩મી એપ્રીલે યોજાનારા મતદાન પૂર્વે વડાપ્રધાન મોદી ૧૦મી એપ્રીલે મતદારો વચ્ચે બે સભાઓ ગજવશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચૂંટણી કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતુ કે વડાપ્રધા સૌરાષ્ટ્રના મતદારો માટે જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના મતદારો માટે સોનગઢમાં જાહેર સભાઓ યોજશે.
ગુજરાતમા તમામ ૨૬ બેઠકો પર લગભગ દ્વિપક્ષીય ચૂંટણી જંગમાં આરપારની લડાઈ નિશ્ચિત બની છે. પ્રત્યક ભાજપની ટીમને મોવડી મંડળે રાજયની તમામ ૨૬ બેઠકો પર કેસરીયો ધ્વજ લહેરાતો યથાવત રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજય અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ, કેન્દ્ર સરકારના વિકાસ કામોની કવાયતની વિગતો મતદારો સુદી લઈ જઈ ગુજરાતનાં ગઢને જાળવી રાખવા માટે ભાજપ સવિશેષ પ્રયત્નશીલ બની રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મી એપ્રીલે જૂનાગઢ કૃષિ યુનિ.ના મેદાનમાં જૂનાગઢ અને પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદારોને સંબોધશે તેમ વાઘાણીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના જનસંપર્કને આવરી લેવા વડાપ્રધાનના સૌરાષ્ટ્ર કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢમાં જાહેરસભા યોજાશે.
જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રચારના જનસંપર્ક ને આવરી લીધા બાદ બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલી લોકસભા મત વિસ્તારના તાપી જિલ્લાનાં સોનગઢમાં વડાપ્રધાન બીજી સભા ગજવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોનગઢ ખાતે સભા યોજી બારડોલીને નવસારી વિસ્તારના મતદારોને સભા સંબોધશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ભાજપ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર અભૂતપૂર્વ વિજય મેળવ્યો હતો.
લોકસભાની ચૂંટણીની તારીખો જેમજેમ નજીક આવતી જાય છે. તેમ તેમ રાજયમાં ચૂંટણી માહોલ જામતો જાય છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લગભગ મોટાભાગની બેઠકો પર નિવડેલા નેતાઓને અજમાવવામાં આવ્યા છે. ભાજપ કેટલાક નજીવા ફેરફાર સિવાય મોટાભાગે રીપીટ થિયરી મુજબ નિવડેલાઓને તક આપી છે. સામા પક્ષે કોંગ્રેસે પણ ગત ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વેવ વચ્ચે લોકતાંત્રીક રીતે ટકકર લીધી હોય તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રવાસને લઈને સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકીય માહોલ ઉભો થયો છે. જૂનાગઢ આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારમાં જુનાગઢ અને પોરબંદર લોકસભા મત વિસ્તારોને જનસંપર્કને આવરી લેવાનો વ્યુહ અપનાવાયો છે. જૂનાગઢની બેઠક પર ભાજપને વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમાને જયારે પોરબંદરની બેઠક પર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનીનાદુરસ્ત તબીયતના કારણે પાટીદાર નેતા ગોંડલના ઉદ્યોગપતિ અને સામાજીક સેવા ક્ષેત્રે આગવી નામના ધરાવતા રમેશ ધડુકને મેદાનમાં ઉતાર્યા છે.
રાહુલ ગાંધી ૧૫મીએ ગુજરાતમાં: સૌરાષ્ટ્રમાં જાહેરસભા
૧૦ થી ૨૦ એપ્રીલ દરમિયાન કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં જાહેરસભાઓ સંબોધશે
ગુજરાતની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકિય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ જોરશોરથી ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૧૫મી એપ્રીલના રોજ ગુજરાતના ચુંટણી પ્રવાસે આવી રહ્યા છે તેઓ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં રેલી યોજી જાહેરસભા સંબોધે તેવું આયોજન પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગોઠવાઈ રહ્યું છે. આગામી ૧૦ થી ૨૦ એપ્રીલ દરમિયાન કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતને ધમરોળશે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૩મીએ યોજાનારા મતદાનના આડે હવે માત્ર ૧૭ દિવસ જ બાકી રહ્યા છે.
ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે રાત થોડી અને વેશ જાજા જેવો માહોલ સર્જાયો છે. આગામી ૧૫મી એપ્રીલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરશે અને બે જાહેરસભાઓ સંબોધશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં રાહુલની જાહેરસભાનું આયોજન કરવાનું ગોઠવાઈ રહ્યું છે.
આગામી ૧૦ થી ૨૦ એપ્રીલ દરમિયાન કોંગ્રેસના સ્ટાર પ્રચારક પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, અહેમદ પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, એમ.પી.ના મુખ્યમંત્રી કમલનાથ, છતીસગઢના ભુપેશ બધેર, જયોતીરાદિત્ય સિંદીયા, સચીન પાયલોટ, નવજોતસિંહ સિંધુ, શત્રુઘ્નસિંહા, ઉર્મિલા માનતોડકર અને રણદીપસિંહ સુરજેવાલા સહિતના નેતાઓ ગુજરાતમાં જાહેરસભા સંબોધશે.