આધેડે સળગીને આપઘાત કર્યાનું પોલીસનું અનુમાન એફએસએલ રીપોર્ટ બાદ પડદો ઉંચકાશે
જૂનાગઢ મહાનગરના રોયલ પાર્ક સોસાયટીના પાર્કિંગ વિસ્તારમાંથી એક આધેડનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરાય છે. જો કે, આધેડે સળગીને આપઘાત કર્યો હોવાનું હાલમાં અનુમાન થઈ રહ્યું છે. પરંતુ આ આધેડની હત્યા થઈ છે કે આત્મહત્યા ? તે અંગે એફ.એસ.એલ. રિપોર્ટની રાહ પોલીસ દ્વારા જોવાઈ રહી છે.
રોયલ પાર્ક સોસાયટી એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં પાછળના ભાગે ગઈકાલે એક અજાણ્યા પુરુષનો સળગેલી હાલતમાં મૃતદેહ લોકોને ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતાં મૃતક ગંભીર રીતે દાજી ગયેલ હોય તથા તેમના ચશ્મા અકબંધ અને પહેરેલા કપડાં બળીને ખાખ થઈ ગયા હતા.
જે અંગે પોલીસે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોની પૂંછપરછ કરતા આધેડ શૈલેષ ગિરધરભાઈ કારીયા (ઉ.વ. પ5) શાકભાજી લેવા ગયા હતા, બાદમાં પરત આવેલ ન હતા. પરંતુ તેના વાહનમાં ચાવી લટકેલી અને શાકભાજીની થેલી મળી આવી હતી. ત્યારે શૈલેષભાઈના પત્નીને બોલાવી પોલીસે મૃતદેહની ઓળખ કરાવતા મહિલાએ તેમના પતિ ન હોવાનું જણાવ્યું હતું.
ંશૈલેષભાઈએ જે કપડા પહેર્યા હતા તે જ કપડા સળગેલી લાશ પાસે ટુકડાની હાલતમાં મળી આવતા આ મૃતદેહ શૈલેષભાઈનું હોવાનું સામે આવ્યું હતું. શૈલેષભાઈએ આત્મહત્યા કરી છે કે હત્યા તે અંગે હાલમાં પોલીસ દ્વારા પી.એમ. રિપોર્ટ આવ્યાની રાહ જોવાઈ રહી છે