કોંગ્રેસમાં ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા, અને ભાજપમાં જવાહર ચાવડા રિપીટ

ભાજપ દ્વારા જુનાગઢ જિલ્લાની પાંચ બેઠક માટેના મુરતિયાઓ જાહેર કરી દીધા છે, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રીને ફરી રીપીટ કરાયા છે જ્યારે હાલના પશુપાલન મંત્રીને ટિકિટ આપવામાં આવી છે, આ સાથે માંગરોળમાં 2017 માં હારેલા ભાજપના ઉમેદવાર ઉપર ભાજપે ફરી એક વખત નસીબ અજમાવ્યું છે. જ્યારે જૂનાગઢની સીટ માટે ભાજપ એ નવો યુવા ચહેરો ઉતાર્યો છે, અને વિસાવદરની બેઠક પર કોંગ્રેસમાંથી હાલમાં જ ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ને ટિકિટ ફાળવવામાં આવી છે.

જ્યારે કોંગ્રેસે જુનાગઢની સીટ જાળવી રાખવા કોંગ્રેસે ફરી એક વખત વરિષ્ઠ કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોશીને રીપીટ કર્યા છે. તે સાથે માંગરોળની સીટ ઉપર સતત બે વખતથી જીતતા આવતા કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાને રીપીટ કરવામાં આવ્યા છે. આ સાથે કેશોદની બેઠક ઉપર કોંગ્રેસે તેના પ્રદેશ ઉપાધ્યક્ષને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે માણાવદરમાં ગત પેટા ચૂંટણીમાં નજીવા મતથી હારેલા કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસે ફરી આ ચૂંટણીમાં રીપીટ કર્યા છે, આ સાથે વિસાવદરની બેઠક ઉપર છેલ્લી બે ટ્રમથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતતા આવતા તથા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા હાલના ભાજપના ઉમેદવાર સાથે ખભે ખભો મેળવી સાથે રહેનાર નખશિખ કોંગ્રેસી અગ્રણીને કોંગ્રેસે ટિકિટ આપી વિસાવદરની સીટને પ્રતિષ્ઠા ભરી બનાવી છે.

માત્ર 23 વર્ષની ઉંમરે 1990 માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી ધારાસભ્ય બનેલા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને માણાવદરની સીટ ઉપર ફરી એક વખત ભાજપ દ્વારા રીપીટ કરાયા છે, જવાહર ચાવડા કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ સીટ ઉપર સતત જીતતા આવ્યા છે, અને સને 2019 માં તેમણે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને બાદમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, તેમાં પણ જવાહર ચાવડા જીત્યા હતા અને બાદમાં તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપે તેમના ઉપર વિશ્વાસ મુકી ફરી વખત માણાવદરના વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

જ્યારે જુનાગઢમાં અનેક અટકડો વચ્ચે ભાજપે જૂનાગઢ શહેર અને જિલ્લાના મોટા ગજાના ભાજપના નેતાઓની ટિકિટની માંગને ફગાવી યુવા ચહેરો ચૂંટણી જંગમાં ઉતાર્યો છે. કડવા પાટીદાર સમાજના સંજય કૃષ્ણદાસ કોરડીયાને ભાજપે જૂનાગઢ વિધાનસભાની સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી વાવડીમાં જન્મેલા સંજયભાઈ જૂનાગઢના ઉદ્યોગપતિ છે, અને 2004 માં તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હાર્યા હતા બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપના શહેર પ્રમુખની જવાબદારી સંભાળી હતી. તે સાથે તેઓ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, અને હાલમાં તેઓ જૂનાગઢ મનપાના કોર્પોરેટર પણ છે.આ સાથે વિસાવદરની સીટ ઉપર થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાને  ભાજપે ટિકિટ આપી છે. 2017 ની ચૂંટણીમાં તેઓ હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે વિસાવદરની સીટ ઉપર વિધાન સભાની ચૂંટણી લડ્યા હતા. અને તેમાં તેમનો 23 હજાર થી વધુ મતો સાથે વિજય થયો હતો.

આ સાથે સને 2017 માં સોરઠ માં ભાજપ વિરોધી જુવાળમાં જિલ્લાની પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો કોંગ્રેસે હાંસલ કરી હતી, પરંતુ એક માત્ર કેશોદ બેઠક ભાજપને ફાળે ગઈ હતી, તે જિત હાંસલ કરનાર દેવાભાઈ માલમને ભાજપે ફરી અજમાવ્યા છે, 1990 થી ભાજપ સાથે જોડાયેલા દેવાભાઈ માલમને ગુજરાત વિધાનસભાના છેલ્લા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બોડીમાં રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી તરીકે ફરજ સોંપવામાં આવી હતી.

જ્યારે માણાવદરની બેઠક પર કોંગ્રેસે અરવિંદભાઈ લાડાણીને પ્રથમ રાઉન્ડમાં જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, અરવિંદ લાડાણી જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય છે, આ સાથે તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જો કે ગત પેટા ચૂંટણીમાં અરવિંદભાઈ લાડાણી જવાહરભાઈ ચાવડા સામે આ બેઠક ઉપર ચૂંટણી જંગ લડ્યા હતા પરંતુ તેઓની નજીવી મતથી હાર થઈ હતી. ત્યારે ફરી એક વખત માણાવદરની પ્રતિષ્ઠા ભરી બેઠક પર કોંગ્રેસે અરવિંદભાઈ લાડાણી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા છે.

કોંગ્રેસની ગઈકાલે જાહેર થયેલી બીજી યાદીમાં કેશોદની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઇ જોટવાની જાહેરાત કરી છે, હીરાભાઈ જોટવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે, અને વર્ષોથી તેઓ કોંગ્રેસના એક અદના કાર્યકર અને હાલના પ્રદેશ કોંગ્રેસના અગ્રણી છે, તેઓ અગાઉ જુનાગઢ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે, તથા તેમના પુત્ર ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા છે, તેમને કોંગ્રેસે કેશોદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

વિસાવદર બેઠકો પર કોંગ્રેસે કરસનભાઈ વાડોદરિયાની પસંદગી કરી છે. કરશનભાઈ વડોદરિયા છેલ્લી બે ટર્મથી જિલ્લા પંચાયતની કાલસારીની બેઠકો ઉપરથી ચૂંટાઈ આવે છે, અને તેઓ વિસાવદર સીટ ઉપર સારું પ્રભુત્વ ધરાવતા હોવાથી તથા એક વખતના વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાની સતત ને સતત સાથે રહી સહકાર આપનાર કરસન વાડોદરિયાને  કોંગ્રેસે ટિકિટ આપી વિસાવદરની આ સીટને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.