- 15 જૂન થી શરૂ થતા નવા સત્રથી યુનિવર્સિટી સંલગ્ન તમામ 162 કોલેજોમાં એનઈપી-2020 મુજબ સિલેબસ ભણાવાશે અલગ અલગ કોર્ષીસ કરવાની વિદ્યાર્થીઓને તક
સમગ્ર ભારતમાં 1986 થી એટલે કે 34 વર્ષ પછી નવી શિક્ષણનીતિ રૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ નેશનલ એજ્યુકેશન પોલીસી-2020નો અસરકારક અમલ થવા જઈ રહ્યો છે ત્યારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા પણ 15 જૂન, 2023થી શરૂ થતા નવા સત્રથી તમામ સંલગ્ન કોલેજોમાં NEP- 2020નો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલ એક્ઝીક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં નક્કી થયા મુજબ યુનિવર્સિટીના નિયંત્રણ અને નિયમન હેઠળ આવતા જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 162 કોલેજોમાં 2023-24 ના નવા સત્રથી આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના તમામ કોર્ષમાં NEP-2020 નો અમલ કરવો, સંલગ્ન સિલેબસ ભણાવવો અને વિદ્યાર્થીઓને અલગ-અલગ કોર્ષ કરવાની તક આપવી. જેને કારણે વિદ્યાર્થીઓમાં રોજગારીની તકોમાં વધારો થશે અને તેઓમાં નૈતિકતાનું સિંચન થશે. ઉપરાંત ભારતીય પરંપરાને ભણાવવાનો અને જ્ઞાન વધારવાનો પણ મોકો મળશે. વિદ્યાર્થી એક વર્ષ પછી ત્રીજા સેમેસ્ટરમાં વિષય પણ બદલાવી શકશે.
અત્યાર સુધી ગ્રેજ્યુએશનના ત્રણ વર્ષ હતા જે હવે ચાર વર્ષ થયા છે. વિદ્યાર્થી ચાર વર્ષ પૂર્ણ કરે એટલે તેને ગ્રેજ્યુએશન રૂપે ‘ઓનર્સ ડિગ્રી’ આપવામાં આવશે. ત્રણ વર્ષ પૂર્ણ કરનાર અને 75 ટકા કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીને ચોથા વર્ષમાં ઓનર્સ વિથ રિસર્ચનો પણ ઓપ્શન આપવામાં આવશે. રિસર્ચ રૂપે વિદ્યાર્થીએ ડેઝર્ટશન (નાનો થીસીસ) કરવાનું રહેશે.
NEP-2020 મુજબ જે વિદ્યાર્થીઓ કોઈ પણ કારણોસર યુનિવર્સિટીનું એક વર્ષ પૂર્ણ કરે અને વચ્ચેથી અભ્યાસ છોડી દે તો તેને સર્ટિફિકેટ કોર્સનું પ્રમાણપત્ર આપવું, બે વર્ષ પૂર્ણ કરે તો ડિપ્લોમા કોર્સનું પ્રમાણપત્ર આપવું અને જો ત્રણ વર્ષ પૂર્ણ કરે તો ડીગ્રી કોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવશે. એક કે બે વર્ષ પછી વિદ્યાર્થી કોઈ કારણોસર અભ્યાસ અધૂરો છોડી દે તો તેઓએ ચાર ક્રેડિટનો વોકેશનલ પ્રોગ્રામ કરવાનો થશે. વિદ્યાર્થી યુનિવર્સિટીમાં એડમિશન લે તે પછી વધુમાં વધુ સાત વર્ષની અંદર ગ્રેજ્યુએશન રૂપે ઓનર્સ ડિગ્રી પ્રાપ્ત કરવી જરૂરી છે, ત્યારબાદ વિદ્યાર્થી આપોઆપ ડીસ્કવોલીફાઇ થઈ જશે. સમગ્ર ઓનર્સ ડિગ્રી દરમિયાન વિદ્યાર્થીઓ આર્ટસમાં 180 ક્રેડિટ, કોમર્સમાં 192 ક્રેડિટ તથા સાયન્સમાં 193 ક્રેડિટ મેળવવાની રહેશે. જે હાલમાં ત્રણ વર્ષના યુ.જી. કોર્ષમાં સરેરાશ 144 જેટલી ક્રેડિટ મેળવવામાં આવે છે. યુનિવર્સિટી ખાતે એક્ઝીક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં કુલપતિ પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદી ઉપરાંત યુનિવર્સિટીના સરકાર નિયુક્ત ઈ.સી. મેમ્બર ડો. જયભાઈ ત્રિવેદી, ચંદ્રેશભાઈ હેરમા, સુ.શ્રી.ભાવનાબેન અજમેરા, ડો. જીવાભાઈ વાળા, સહિતના તમામ ઈ.સી. મેમ્બર્સ, કુલસચિવ ડો.મયંકભાઈ સોની, એકેડેમિક ઓફિસર ડો.ફિરોઝભાઈ શેખ વિગેરે હાજર રહ્યા હતા.
.