જૂનાગઢ જિલ્લામાં, રાજ્ય કે દેશ બહાર વસતા લોકોને પોતાની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવવા માટે સરકાર દ્વારા વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળની ઓનલાઇન ડેટા એન્ટ્રીમાં જૂનાગઢ જિલ્લાએ 491 ગ્રામ પંચાયતની 16,500 ઓનલાઇન ડેટા એન્ટ્રી પૂર્ણ કરી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ માધ્યમ દ્વારા સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં દરેક ગામમાં ખુટતી વ્યવસ્થાની ડેટા એન્ટ્રી https://vatanprem.org/ વેબ પોર્ટલ પર તા.09/09/2021 સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા અને જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ઇ-ગ્રામ સેલના ડીએલઇ વાસુભાઇ સોલંકી તથા ઇ-ગ્રામની ટીમના મોનીટરીંગથી તમામ તાલુકા અધિકારીઓ, ટી.એલ.ઇ. ગ્રામ્યકક્ષાએ વી.સી.ઇ અને તલાટી-કમ મંત્રીઓ દ્વારા જિલ્લાના 491 ગ્રામ પંચાયતમાં વતન પ્રેમ યોજનાના પોર્ટલ પર કુલ 33 પ્રકારના ક્રાઇટેરિયામાં કુલ 16,500 ઓનલાઇન ડેટા એન્ટ્રી પૂર્ણ કરી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
ગુજરાત કે દેશ બહાર રહેતા હોય તેવા જૂનાગઢ જિલ્લાના દાતાઓ વતન પ્રેમ યોજના હેઠળ દાન આપવા ઇચ્છતા હોય તો તેઓએ https://vatanprem.org/ પર નોંધણી કરાવી, કામ નક્કી થયા બાદ કામના 40 ટકા સરકાર તથા 60 ટકા દાતાઓ પાસેથી મેળેલી સહાયથી કામગીરી કરવામાં આવશે. તેમ જૂનાગઢ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયુ છે.
અત્રે નોંધનીય છે કે, વતન પ્રેમ યોજના હેઠળ શાળાના ઓરડાઓ, સ્માર્ટ ક્લાસ, કમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગડવાડી, મધ્યાહન ભોજનનું રસોડુ, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત-ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટી.વી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર એસ.ટી.પી. વગેરે, તળાવ બ્યુટીફિકેશન, એસ.ટી. સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઇટ અને પાણીના ટ્યુબવેલ કુવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે. જેમાં 60 ટકા દાતાઓ અને 40 ટકા જેટલી રકમ રાજ્ય સરકાર આપશે.