ચાર દિવસ સુધી સારવાર ન મળતા દમ તોડયો: દંપતીના ઝઘડામાં ભાઇએ પોતાની બહેનને બનાવી વિધવા
જૂનાગઢના રામ ચોકમાં દંપત્તી વચ્ચે ચાલતા ઝઘડાના કારણે પોતાની બહેનનું ઉપરાણું લઇને આવેલા ભાઇએ પોતાના બનેવીને ઢીકાપાટુ મારી ઢીમઢાળી પોતાની જ બહેનને વિધવા બનાવ્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના હીરાજી ગોરાજી ભટ્ટી નામના 45 વર્ષના પ્રૌઢને ચારેક દિવસ પહેલાં તેના સાળાએ માર મારી પોતાની બહેનને લઇને જતા રહ્યા હતા. ઢીકાપાટુના મારના કારણે ઘવાયેલા હીરાજી ભટ્ટી ચાર દિવસ સુધી ઘરમાં પડયા રહેતા તેઓ સારવારથી વંચિત રહ્યા બાદ જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ છે.
મૃતક હીરાજી ભટ્ટીને સાળાએ માર માર્યો હોવાના કારણે મોત નીપજ્યાના મૃતકની બહેન કમળાબેન ગોરાજીએ આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથધરી છે.