લોકોની ભીડથી ધમધમતું ‘ભવનાથ’ વિરાન
જાહેરનામાનો કડક અમલ કરાવતું પોલીસ તંત્ર
જૂનાગઢનું પ્રસિધ્ધ દાર્શનિક સ્થળ ‘ભવનાથ’ આજે રજાઓમાં પણ વિરાન જોવા મળે છે. કોરોના સંક્રમણને ઘટાડવા પોલીસ તંત્ર દ્વારા જાહેરનામાનું ચુસ્ત પણે અમલીકરણ કરાવવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે ભવનાથ પ્રવેશદ્વાર પર પ્રતિબંધ મૂકાયો છે. કોરોના વચ્ચે જૂનાગઢનું ભવનાથ ભુત રુવે ભેકાર ભાસી રહ્યું છે, અહીંથી સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શનિ-રવિ તથા રજાના દિવસોમાં ભવનાથ ક્ષેત્રમાં લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથના પ્રવેશદ્વાર પાસે જ સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને ભવનાથ ક્ષેત્રમાં જતા યાત્રાળુઓ અને મુલાકાતીઓને રોકી દેવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા સરકારી અને તંત્રના પરિપત્ર અને આદેશ મુજબ જુનાગઢના ભવનાથ ક્ષેત્ર, વિલીંગ્ડન ડેમ જેવા ભીડ ભેગી થતી હોય તેવા ફરવા લાયક સ્થળો ઉપર લોકો મોટી સંખ્યામાં ઉમટે નહિ અને સંક્રમણ ન ફેલાય તે માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું અને શનિ-રવિ તથા રજાના દિવસોમાં જાહેરનામાંમાં પ્રસિદ્ધ કરાયેલા સ્થળો ઉપર લોકો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને ગઈકાલે રવિવારે ભવનાથ ક્ષેત્રમાં સન્નાટો જોવા મળી રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, શનિ-રવિ તથા રજાના દિવસોમાં જૂનાગઢ મહાનગર સહિતના આસપાસના ગામના લોકો ભવનાથ ક્ષેત્રમાં હજારોની સંખ્યામાં ઉમટી પડે છે, અને અહીં નાના વેપારીઓ દ્વારા ખાણીપીણીની લારીઓ, સ્ટોલ અને બાળકો માટેના ચગડોળ સહિતના સાધનો ગોઠવવામાં આવે છે, જેને કારણે શનિ-રવિમાં ભવનાથ ક્ષેત્રમાં એક મીની મેળા જેવું વાતાવરણ ખડું થાય છે. પરંતુ કોરોનાના કારણે શનિ રવિની રજામાં ભવનાથ ભુત રુવે ભેકાર જેવું ભાસી રહ્યું છે.