જુનાગઢમાં રખડતા પશુઓ કોઇ જાનહાની સર્જે તે પહેલા તંત્ર જાગે: રાહદારીઓની માંગ
જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની નીતિના કારણે શહેરમાં રખડતાં પશુઓના ત્રાસની વારંવાર ફરિયાદ છતાં કોઈ ઉકેલ ન આવતા અનેક લોકો પશુઓના કારણે અકસ્માત અને હુમલાનો ભોગ બની રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં એક ગાય એ બાઈક પર જતા પરિવાર ઉપર હુમલો કરી દીધાનો એક દિલધડક વીડિયો વાયરલ થતાં શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને મનપા દ્વારા સત્વરે મહાનગરમાં રખડતા પશુઓ અને તેના માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે.
જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ હોય કે સોસાયટી વિસ્તારની ગલીઓ અહીં ઠેરઠેર રખડતી ગાયો અને માતેલા સાંઢની જેમ દ્વંદ યુદ્ધ કરતા આખલાઓ નજરે પડી રહ્યા છે, અને વારંવાર રોડ ઉપર રહેલ વાહનો ઉપર ચડી જઈ કે ઢીક મારી વાહનોને ભારે નુકસાન કરી રહ્યા છે, બીજી બાજુ આવી રખડતી ગાયો અને આખલાના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવું પણ ભારે મુશ્કેલ બની રહ્યું છે.
દરમિયાન ગઇકાલે સોશિયલ મીડિયા ઉપર એક નાની બાળકી અને મહિલા સાથે એક બાઈક સવાર રસ્તા પર પસાર થતા હતા, ત્યારે એક ગાય એ આડી ઉતરી બાઈકને ઢિક મારી બાઈક પછાડી દઈ, પરિવાર ઉપર હુમલો દબોચી દીધો હતો. સદભાગ્યે આસપાસના લોકો આવી જતા આ પરિવાર ગંભીર શારીરિક ઈજાઓથી બચ્યું હતું પરંતુ મીડિયામાં વાયરલ થયેલ આ ઘટના દિલ સટોસટની હોવાથી આ વિડીયો જૂનાગઢ શહેરમાં ભારે પ્રમાણમાં વાઇરલ થવા પામ્યો છે અને મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ સામે ભારે રોષ પ્રગટ્યો છે.
જો કે આ ઘટના બાદ જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પત્રકારોને આપેલી એક મુલાકાતમાં આની સામે અમે કાયદા ઘડ્યા છે અને કડક કાર્યવાહી થશે તેવી હૈયાધારણા આપતું નિવેદન આપેલ છે. પરંતુ લોકોની વાત માનીએ તો, મનપા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી મનપામાં આ માટે એક અલગ વિભાગ હોવા છતાં કામગીરી માત્ર કાગળ ઉપર જ દર્શાવાય છે જેના કારણે અનેક લોકો જૂનાગઢમાં રખડતા પશુઓ અને આખલાઓના હુમલા અને અકસ્માતનો ભોગ બની રહી છે,
ત્યારે વાતોના વડા કરતા જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ બાબતે સત્વરે કાર્યવાહી હાથ ધરાય તેવી લોક માંગ પ્રચંડ બની છે.