વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરતા સેવકો
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા નજીકના ખોરાસા ગામના વ્યંકટેશ ભગવાનના દિવ્ય મંદિરના મહંત શ્યામનારાયણની એક મહિલા સાથેની અભદ્ર વાતચીતની ઓડિયો-વીડીયો ક્લિપ ગઈકાલે વાઈરલ થતાં ચકચાર જાગી છે. આ અંગે મહંત ખુલાસો પણ આપ્યો હતો.
જુનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલા ખોરાસા ગામે વ્યંકટેશ ભગવાનના દિવ્ય મંદિરે ગુરુપૂર્ણિમાના દિવસે જ મંદિરના સ્વામીની એક મહિલા સાથે અભદ્ર વાતચીતની વિડીયો ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી અને આ મંદિરમાં ટ્રસ્ટી અંગે ચાલતા વાંધાવચકાના કારણે મંદિરના અમુક સેવકો દ્વારા ગઈકાલે મંદિરના હાલના સ્વામી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને સેવકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ખોરાસાના વ્યંકટેશ મંદિરના પુજારી સ્વામી શ્યામનારાયણનાં દુષ્કૃત્યો વિરુદ્ધ તંત્ર દ્વારા કબજો જમાવી બેઠેલા સ્વામી શ્યામનારાયણ વિરૂધ્ધ પવિત્ર સ્થાનની ધરોહર અને મર્યાદા પુન: સ્થાપિત કરવા ગાદીપતિ વિરુદ્ધ કાયદેસર ખાતાકીય કાર્યવાહી કરવા વૈષ્ણવ અને સેવક ગણમાં માંગ ઉઠી હતી. પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં ખોરાસા વેંકટેશ મંદિર સાથે પેઢી દર પેઢીથી જોડાયેલ સેવક કિશોરભાઈ મનસુખલાલ ઉનડકટ એ મંદિરના મુળ રાજસ્થાનના સ્વામી શ્યામનારાયણ દાસ સામે ચેરીટી કમિશ્નર જુનાગઢમાં એક લેેેખિત ફરિયાદ કરી હતી, અને આ ફરિયાદ સાથે સ્વામીના મહિલાઓ સાથે દુષ્કર્મના પુરાવા, વેંકટેશ મંદિરનાં દસ્તાવેજી પુરાવાઓમાં છેડછાડ કરી ટ્રસ્ટનાં બંધારણ વિરુદ્ધ પોતાનાં નામે મિલ્કતો કરાવવી, ઉપરાંત ભળતા નામનાં અન્ય ટ્રસ્ટની નોંધણી કરાવી મંદિરના વૈષ્ણવો સેવકો સાથે છેતરપિંડી કરવી અને છેલ્લા પંદર વર્ષથી સ્વામી શ્યામનારાયણ અને તેઓનો ભાણેજ શિવકુમાર શર્મા ઉર્ફે શિવા દ્વારા આર્થિક આવક જાવકનો હિસાબ દર્શાવેલ નથી તેવી ફરિયાદ કરાઈ હતી .
આ અંગે મંદિરના મહંત સ્વામીએ ખુલાસો કર્યો હતો કે, આ મારી વિરુદ્ધ ષડયંત્ર છે, અને બધી ખોટી વાતો છે, અમુક લોકો દ્વારા મંદિરને હડપ કરી લેવાનો કારસો અજમાવાય રહ્યો છે, અમે રેગ્યુલર દર વર્ષે ઓડિટ કરાવીએ છીએ, હિસાબ આપતા નથી તે વાતો પણ ખોટી છે, અને મંદિરને તથા મારી પ્રતિષ્ઠાને દાગ લાગે તે માટે અમુક શખ્સો દ્વારા ઓડિયો ક્લિપ ડબીંગ કરી જુદી જુદી રીતે રજૂ કરાય છે, રહી વાત જમીન અને મંદિરની તો મારી પાસે ગવર્નરનો હુકમ છે જમીન વારસાઈનો જુના મહંતના વિલના આધારે મહંત અને ટ્રસ્ટી બન્યો છું વગેરે બાબતો મહંતે ખુલાસામાં જણાવી હતી.