અબતક, દર્શન જોશી, જુનાગઢ
જૂનાગઢની બ્રહ્મ સમાજ માટે સતત જાગૃતિ રહી, કાર્ય કરતી રહેતી સંસ્થા સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ (સંગઠન) એ પોતાના છઠ્ઠા સ્થાપના દિવસને બ્રહ્મ સમાજ માટે ઐતિહાસિક દિન બનાવી, જૂનાગઢના બ્રહ્મ પરિવારો માટે સમગ્ર ગુજરાત રાજ્યના બ્રહ્મસમાજમાં પ્રથમ “ભુદેવ સમાધાન પંચ” ની સ્થાપના કરી, કાર્યાલયનો શુભારંભ કરાયો હતો, જેને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાનાબેન બુખારી એ ખુલ્લું મૂકયું હતું.
સમાજના દરેક વ્યક્તિ, કુટુંબો હસી ખુશી સાથે રહી શકે આશ્રય સાથે શરૂ થયેલ આ કાયમી સમાધાન પંચમાં પતિ-પત્નીનાં પ્રશ્નો, પરિવારનાં મિલકત બાબતનાં પ્રશ્નો, ઘરેલું ઝઘડાઓ અનેક વીવિધ ઝઘડાઓનું કાયમી નિવારણ હવે સમાજમાં જ લેવાશે, તેવું સંગઠનનાં સંસ્થાપક જયદેવ જોષી, કાર્તિક ઠાકર, મહિલા પાંખનાં ગીતાબેન જોષી એ જણાવી, વિના ખર્ચે શરૂ કરવામાં આવેલ સેવા યજ્ઞનો લાભ લેવા અનુરોધ કર્યો છે. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ (સંગઠન) નાં આ કાર્યને બિરદાવવા માટે જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ અલકેશભાઈ પંડ્યા, જૂનાગઢ જીલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કે.ડી.પંડયા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, કોર્પોરેટર આરતીબેન જોષી, જિલ્લા સરકારી વકીલ નિરવભાઇ પુરોહિત, આર.ડી.ઠાકર, બ્રહ્મ અગ્રણી છેલભાઈ જોષી, હસુભાઈ જોષી, રૂપલબેન લખલાણી સહિતનાં જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા દેવાંગ વ્યાસ, નિરજ, અંશ ભટ્ટ, જીગ્નેશ ઉપાધ્યાય, વિવેક રાજયગુરુ સહિતનાંએ જહેમત ઉઠાવી હતી.