કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નેશનલ રેન્કિંગ ફ્રેમવર્કની જેમ ગુજરાત સરકાર દ્વારા કેસીજી મારફત સ્ટેટ રેટિંગ ફ્રેમવર્ક શરૂ કરાયેલ છે.જે અન્વયે જૂનાગઢ કૃષિ યુનિ. સ્ટેટ રેટિંગ ફ્રેમવર્કમાં કૃષિ યુનિ.માં રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ રેન્કિંગ કાર્યક્રમમાં રાજયની સરકારી યુનિવર્સિટીઓ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો.
કેસીજી દ્વારા તા.04/12/2020ના રોજ જાહેર કરાયેલ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટયુશનલ રેટિંગ ફ્રેમવર્ક 2020-21 (GSIRF) અંતર્ગત રીસર્ચ, પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓની સંખ્યા, પરીણામ, વિદ્યાર્થી-શિક્ષક રેશીયો, સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અને અન્ય માપદંડને ધ્યાને લેવામાં આવ્યા છે. આ તમામ માપદંડને આધારે યુનિવર્સિટીઓના રેન્કિંગની ગણતરી કરવામાં આવે છે. જેમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં એક થી પાંચ સુધીના સ્ટાર રેટિંગ તેમજ સ્કોર અને ગ્રેડિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા કેસીજી મારફત જાહેર કરાયેલ આ રેટિંગમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પૈકી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ 61.74 ના શ્રેષ્ઠ સ્કોર સાથે સતત ત્રીજા વર્ષે “ફોર સ્ટાર” રેટીંગ મેળવી સમગ્ર રાજ્યમાં પાંચમો ક્રમ મેળવ્યો છે તેમજ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પૈકી સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ છે. જેના માટે યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી. ચોવટિયા તથા કુલસચિવ ડો.પી.એમ.ચૌહાણએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તમામ આચાર્ય/ડીન, યુનિવર્સિટી અધિકારીઓ તેમજ શિક્ષકો અને કર્મચારીઓનો ઉત્તકૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.