આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સમન્વય સાધવા વર્ષા વિજ્ઞાન મંડળે વર્તારો જોનારને આપ્યા આધુનિક યંત્રો
આ વર્ષનું ચોમાસુ ગત વર્ષની તુલનાએ સારું રહેશે: બારથી સોળ આની વરસાદ થવાની શકયતા
જુનાગઢ કૃષિ યુનિ. ખાતે છેલ્લા ૨૪ વર્ષથી વર્ષા વિજ્ઞાન મંડળ સક્રિય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે આપણા ખેડુતોને આપણા શાસ્ત્રો વેદો ઋષિમુનિઓ અને ભડલી જેવા કથનો ખેતીમાં કામ લાગે અને તેની સાથે સાથે ખેડુત આનો ભરપુર ઉપયોગ કરી વધુમાં વધુ ફાયદો મેળવી શકે તેમજ કુદરતી પ્રકોપ જેવા કે અતિવૃષ્ટિ અને વાવાઝોડા, ભારે પવન ફુંકાવા જેવી બાબતથી પોતાની ખેતીને પુરેપુરુ રક્ષણ આપી શકે તેવા ઉમદા અભિગમથી જે-તે સમયે યુનિ.અધિકારીઓ એજ આ મંડળ શરૂ કર્યું હતું. આ મંડળમાં જુજ આગાહીકારીથી શરૂ કરી આજે વટવૃક્ષ સમાન આ મંડળ બનવા પામ્યું છે. ખાસ કરીને ગુજરાતમાંથી ૫૯ જેટલા આગાહીકારોએ આ સેમીનારમાં આગામી વરસાદ વિષે પોત પોતાના મંતવ્યો આપ્યા હતા. તેમજ આમાં રસ ધરાવતા ૧૨૦ જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વધુ વિગત અનુસાર આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. આપણા દેશની ૭૦ ટકા વસ્તી સીધી અથવા આડકતરી રીતે ખેતી સાથે સંકળાયેલી છે ત્યારે આ ખેતી મોટાભાગે વરસાદને આધારીત છે. વરસાદના પૂર્વાનુમાન ઉપરથી ખેતીના પાકોની પસંદગી સારી રીતે થઈ શકે અને તેનું રક્ષણ થઈ શકે તે માટે કૃષિ યુનિ. તેમજ વર્ષાવિજ્ઞાન મંડળ સંયુકત રીતે આ ક્ષેત્રમાં કામગીરી કરી રહેલ છે.
ગઈકાલે યોજાયેલ સેમીનારના કાર્યક્રમમાં અધ્યક્ષ અને કૃષિ. યુનિ.કુલપતિ કે.આર.પાઠકે જણાવ્યું હતું કે, આગાહીકારો, ભડલી વાકયો, સજીવ સૃષ્ટિ, પશુ, પક્ષી અને વનસ્પતિ, પશુપક્ષીની ચેષ્ટાઓ, ખગોળ વિજ્ઞાન, સુર્ય-ચંદ્ર તારાની દિશા ચમક હોળીની જાળ, અખાત્રીજના પવન તેમજ જયોતિષ વિદ્યાના આધારે વર્ષનું પૂર્વાનુમાન કરવું આપણા શાસ્ત્રોમાં પણ છે તેમજ આપણા પૂર્વજો આ જ્ઞાનનું ભરપુર ઉપયોગ કરતા દેશનો હવામાન વિભાગ ટુંકાગાળાના હવામાનનો પૂર્વાનુમાન સાચા હોય છે.
આ કોઠાસુઝની કળાને ટકાવી રાખવા વર્ષા વિજ્ઞાન મંડળ સતત પ્રયત્નશીલ છે. ૧૯૯૦થી શરૂ કરાયેલ આ પ્રવૃતિ યુનિ.ડો.એ.ઓ.ખેરના માર્ગદર્શન હેઠળ ડો.મુન્સી, ડો.ગુંદાલીયા સહિતના સ્ટાફે ખુબ જ રસપૂર્વક આ પ્રવૃતિ શરૂ કરી હતી અને આ વરતારાની આગાહીઓ જે સાચી પડતી તે પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા અનેક લોકો સુધી પહોંચાડાતી જેના કારણે આ ક્ષેત્રમાં રસ ધરાવતા વ્યકિતઓ તેમજ જાણકારો અને અભ્યાસુઓ ક્રમશ: આમાં જોડાયા છે. આ મંડળની સ્થાપનાને આ વર્ષે ૨૫ વર્ષ પુરા થતા હોય આ પરીસંવાદને રજતજયંતી પરીસંવાદ જાહેર કરાયો હતો. આ પરીસંવાદમાં આગાહીકારોની આગાહીઓનો નીચોડ જોઈ આ પ્રકારની આગાહીઓ વધારે પડતી જોવા મળી હતી.
જેમાં આ વર્ષ દરમિયાન બારથી ચૌદ આની વર્ષ થાય, ચોમાસાની શઆત આઠથી બાર જુન તેમજ બીજો તબકકો ૨૪ થી ૨૭ જુન વાવણી જોગ વરસાદ થાય, જુલાઈના ત્રીજા અઠવાડીયા અને ઓગસ્ટના બીજા અઠવાડીયાના સમયગાળા દરમિયાન અતિવૃષ્ટિની સંભાવના, આ વર્ષનો વરસાદ જાળી, ઝુપટ, પવન અને ગાજવીજ સાથે હોવાથી ઝાડ પાનને નુકસાન થાય તેમજ વીજળી પડવાની શકયતાઓ, ઓકટોબરના બીજા અઠવાડિયાથી ચોમાસુ વિદાય લે તેવી શકયતા, લાંબાગાળાના પાક કપાસ, મગફળી, તુવેર, એરંડા જેવા પાકો સારા થવાની શકયતા તેમજ સારા વરસાદ અને પાણીના સંગ્રહને કારણે શિયાળુ પાકો પણ સારા થવાની શકયતા આ દરમિયાન આગાહીકારોએ દર્શાવી હતી.