- GMERS મેડિકલ કોલેજમાં ફી વધારા મામલે ABVP અને NSUI વિદ્યાર્થીઓના સમર્થનમાં
- NSUIએ મેડિકલ કોલેજના ડીનને ખોટી ચલણી નોટો આપી વિરોધ નોંધાવ્યો
- સરકારી કોટામાં 66.66 % અને મેનેજમેન્ટ કોટામાં 88.88% નો ફી વધારો
જુનાગઢ ન્યૂઝ : ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ફી વધતા મામલે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની 13 GMERS કોલેજોમાં ફી વધારો કરવામાં આવ્યો છે. જેને લઇ જુનાગઢ GMERS મેડિકલ કોલેજ ખાતે ABVP અને NSUI દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI દ્વારા મેડિકલ કોલેજના ડીનને ખોટી ચલણી નોટો આપી વિરોધ નોંધાવાયો હતો. ત્યારે ABVP દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી કોટામાં 66.66 % અને મેનેજમેન્ટ કોટામાં 88.88% નો ધરખમ ફી વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આવનાર સમયમાં આ ધરખમ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
સરકાર વહેલી તકે આ ફી વધારો પરત લે તેવી માંગ
ક્રિષા નિર્મલે જણાવ્યું હતું કે મે આ વર્ષે NEET ની પરીક્ષા આપેલ છે. જેમાં મને 573 સ્કોર આવેલ છે. ત્યારબાદ મે ડ્રોપ લીધેલ હતું. અને આ ડ્રોપ લેવાનું કારણ હતું કે મને સરકારી કોલેજ કે GMERS કોલેજમાં એડમિશન મળી શકે. પરંતુ આ વર્ષે કોલેજમાં ફી વધારો કરવામાં આવ્યો છે. એવું લાગે છે કે આ ફી વધારા સામે પ્રાઇવેટ કોલેજોમાં ફી ઓછી છે. ત્યારે વિદ્યાર્થીઓને સરકાર પાસે આશા હોય છે કે સરકારી કોલેજમાં ભણી સારી નોકરી મળી શકે. પરંતુ કોલેજોમાં આટલો ફી વધારો વ્યાજબી નથી. મેં પહેલીવાર સરકારને મત આપ્યો છે કે અમારો ફાયદો થાય. પરંતુ આટલો ફી વધારો કરી અમારા ભરોસાને ડગમગાવ્યો છે. ત્યારે સરકાર વહેલી તકે આ ફી વધારો પરત લે તેવી અમારી માંગ છે.
ફી વધારો પરત નહીં ખેચાઇ તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે
જુનાગઢ જિલ્લા NSUI પ્રમુખ પ્રથમ આહિરે જણાવ્યું હતું કે આજે GABRS મેડિકલ કોલેજ ખાતે કોલેજમાં અસહ્ય ફી વધારા મામલે રજૂઆત કરવામાં આવી છે. જે મામલે આજે મેડિકલ કોલેજના ડીનને ખોટી ચલણી નોટો આપી ઓફિસનો ઘેરાવ કર્યો હતો. રજૂઆત કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે આ ફી વધારો પરત ખેંચવામાં આવે. અને જો આ ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો NSUI દ્વારા આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.
ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી શકે તેમ નથી
અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જુનાગઢ જિલ્લા સંયોજક અમિત ભટ્ટી એ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષથી વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરે છે. 26/6/ 2024 ના મેડિકલ કોલેજોમાં રાતોરાતથી વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી કોટામાં 66.66 % અને મેનેજમેન્ટ કોટામાં 88.88% જેટલો વધારો કરાયો છે. ત્યારે આ ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી શકે તેમ નથી.
ચિરાગ રાજ્યગુરુ