જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે વામન ભગવાને અવતાર લીધો હોવાથી આ ઐતિહાસિક ઘટનાને વંથલી નગરપાલિકા તંત્ર દ્વારા વધુ મહત્વ આપીને વંથલીનું નવું નામકરણ કરવા ઠરાવ કર્યો હતો, હવે વંથલી ગામ ’વામનસ્થળી’ શહેર તરીકે ઓળખાશે.

વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવા દ્વારા વંથલી નગરપાલિકાને એક પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, વંથલી પૌરાણિક નગર છે. અને પૌરાણિક કથા મુજબ વામન ભગવાને અહીં અવતાર લીધો હતો ત્યારે આ સ્થળ વામનસ્થળી હતું, અને હાલના સમયમાં પણ અહીં ઐતિહાસિક વારસો સચવાયેલો છે. પરંતુ હાલમાંં વામનસ્થળી વંથલી તરીકે ઓળખાય છે ત્યારે આ ગૌરવવંતા ઇતિહાસને પુનજીર્વિત કરી ફરીથી આ શહેરનું નામ વામનસ્થળી કરવા જણાવ્યું હતું.

દરમિયાન આ બાબતે વંથલી નગરપાલિકાની મળેલ બેઠકમાં 24 માંથી 23 સભ્યોએ વંથલી નું નામ બદલવા માટે સમર્થન આપી, આ અંગે તાત્કાલિક યોગ્ય કરી વામન ભગવાનના ઇતિહાસના શહેરનું નામ વામનસ્થળી કરવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે.

અંતે એ પણ નોંધનીય છે કે, વંથલીમાં વિશ્વનું એકમાત્ર વામન ભગવાનનું મંદિર આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.