જૂનાગઢ: બે વર્ષના પુત્રને ઘરે મૂકીને આવેલી માતાના વલોપાતને લઇ તંત્રે થાણાનો પાસ ઇસ્યુ કર્યો
જૂનાગઢ શહેરમાં લોકડાઉનના કારણે પિતાના ઘરે આવેલી અને ફસાઈ ગયેલ ડોકટર યુવતીને પોતાનો ૨ વર્ષનો માસૂમ પુત્ર મહારાષ્ટ્રના થાણે ખાતે હોઈ, જુનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી મહારાષ્ટ્ર રાજ્યના થાણે ખાતે પોતાના ઘરે પહોંચાડી, માતાનું પુત્ર સાથે મિલન કરાવવા માટે મદદ કરવામાં આવી હતી. શહેરના મહેશ્વરી નગર, સક્કરબાગ ખાતે રહેતા મગનભાઈ વાલજીભાઈ પોશિયા પોતાની ડોક્ટર પુત્રી દિશાબેન પટેલ સાથે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને રૂબરૂ મળી, પોતાની દીકરી કે જે, મહારાષ્ટ્ર રાજ્યના થાણે ખાતે ડોક્ટર હોઈ, પોતાના ઘરે જૂનાગઢ ખાતે પોતાની માતાને બીમારી હોઈ, ખબર પૂછવા આવેલ હોય અને ત્યારબાદ લોક ડાઉન જાહેર થતા, પોતાના ત્યાં ફસાઈ ગયેલ હતી. પોતાની આ ડોકટર દીકરીને બે વર્ષનો પુત્ર મહારાષ્ટ્રના થાણે ખાતે જ રાખીને આવેલ હતી. હાલમાં લોક ડાઉન લંબાયેલ હોઈ અને જાહેરનામું લાગુ કરવામાં આવેલ હોઇ, પોતાની દીકરી ડો. દિશા પટેલ છેલ્લા દોઢ મહિનાથી પોતાના બે વર્ષના પુત્ર માટે અવાર નવાર ચિંતા કરે છે અને તેની દીકરી મહારાષ્ટ્રના થાણે ઘરે જવા જીદ પકડી રોયા રોય કરતી હોય તથા તેનો પુત્ર પણ થાણે ખાતે વલોપાત કરતો હોય, ત્યારે પોતાની દીકરીને થાણે મોકલવા પ્રયત્ન કર્યા પરંતુ, મંજૂરી મળતી ના હોઈ, પોતાને પોતાની દીકરીને થાણે મુકવા જવા માટે વ્યવસ્થા અને મદદ કરવા વિનંતી કરી હતી.
આ અંગે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા મગનભાઈ પોશિયાને પોતાની દીકરી તથા વાહનની વિગત લઈને જુનાગઢ એડીએમ.નો સંપર્ક કરી, કલેકટર કચેરી સાથે સંકલન દ્વારા મગનભાઈ પોશિયાની દીકરી ડો. દિશા પટેલને થાણે મુકવા જવા માટે પાસ ઇસ્યુ કરવામાં આવતા બીજા દિવસે મગનભાઈ પોશિયા પોતાની કાર લઈને દીકરી સાથે થાણે ખાતે પહોંચી ગયા હતા. અને જુનાગઢ પોલીસનો આભાર માન્યો હતો.