જૂનાગઢના સદગૃહસ્થના એચડીએફસી બેન્કના ખાતામાંથી  ભેજાબાજ કર્મી ગ્રાહકની એફ.ડી. તોડી, ગ્રાહકના સેવિંગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી, ગ્રાહક પાસેથી લીધેલ કોરા ચેક મારફત રૂ. 18.28 લાખ ઉપાડી, છું મંતર થઈ ગયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

એચ.ડી.એફ.સી. બેંકમાં ફીકસ ડિપોઝીટ સેવીંગ ખાતામાં જમા કરાવી ખાતેદાર પાસે લીધેલો ચેક મારફતે ઠગાઇ કરી

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા નયનભાઈ પરસોતમભાઈ સવાણીનું એચડીએફસી બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે અને તેઓ અગાઉ બેંકમાં ગયેલ ત્યારે જૂનાગઢના નોબલ ટાવર, નેહેરુ પાર્ક સોસાયટીમાં રહેતા એચડીએફસી બેન્કના કર્મી રાજ યોગેશ મણિયાર સાથે સંપર્ક થયો હતો. અને આ રાજે નયનભાઈને ફિક્સ ડિપોઝિટ અંગે સ્કીમ સમજાવી હતી. બાદમાં નયનભાઈએ રાજ મણીયાર મારફત સમાઅંતરે રૂ. 18.25 લાખની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. તે પછી ગ્રાહક ચેકબુક લેવા માટે બેંકે ગયેલ ત્યારે રાજ મણીયારે ચેકબુક માટે કોરો સહી કરેલો ચેક લઈને ચેકબુક આવશે ત્યારે કોરો ચેક પરત આપી દેશે તેવી જણાવ્યું હતું. એ સાથે ગ્રાહક નયનભાઈને નોમિનેશન બદલવું હોય જેથી બેન્ક કર્મી રાજને મોબાઈલ આપ્યો હતો. ત્યારે રાજે 15 મિનિટ જેટલી મોબાઇલમાં પ્રોસેસ કરી ગ્રાહકને મોબાઈલ પરત આપી દીધો હતો. જો કે, આ 15 મિનિટ દરમિયાન તેણે ગ્રાહકની જાણ બહાર કુલ રૂ. 18.28 લાખની રકમ નયનભાઈના સેવીંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. અને ગ્રાહક પાસેથી જે કોરો ચેક લીધો હતો તેના મારફતે રૂ. 18.28 લાખ બેંકમાંથી ઉપાડી લીધા હતા.

ગ્રાહકની જાણ બહાર થયેલા આ તમામ કારસ્તાન પછી ગ્રાહક નયનભાઈ વસાણીએ રાજ મણીયારને ફોન કરતા બેંક કર્મી રાજ દ્વારા યોગ્ય જવાબ મળતો ન હતો. અને બાદમાં ગ્રાહકે જ્યારે બેંકમાં જઈ તપાસ કરી તો રાજ નોકરી મૂકી ચાલ્યો ગયો હોવાનું જાણમાં આવતા જ તુરંત જ નયનભાઈએ ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ચેક કરાવતા તેના એકાઉન્ટમાં માઈનાસ 3 હજારની બેલેન્સ સામે આવતા તેની સાથે રાજ મણીયારે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું ગ્રાહક નયનભાઈ સવસાણીને સમજાતા તેમણે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ છે. અને પોલીસે આ ફરિયાદ અંગે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.