મોબાઇલ અને ઓઇલ તફડાવનાર ૧ શખ્સ ઝબ્બે

જુનાગઢમાં બે મહિના અગાઉ જૂનાગઢના પેટ્રોલ પંપમાં ઘૂસી રૂ. ૨૩ હજારની કરેલ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી એક શખ્સની ધરપકડ કરી છે.

જૂનાગઢ શહેરમાં તળાવ નજીક આવેલ પેટ્રોલ પંપ ખાતે, ગત તા. ૯-૭-૨૦૨૦  ના રોજ એક શખ્સે પ્રવેશ કરી, ઓફિસમાં  રાખેલ મોબાઈલ સેમસંગ તથા ઓપો કંપનીના નંગ ૨ તથા ઓઇલના ડબ્બા નંગ ૫૦ મળી, કુલ કિંમત રૂ. ૨૩ હજાર ના મુદ્દામાલની ચોરી કરી હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી હતી.

આ ચોરી અંગે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એમ.આર.ગોહેલ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, સીસીટીવી ફૂટેજ આધારે તથા ડીવાયએસપી કચેરીના ટેકનિકલ સેલના હે.કો. કમલેશભાઈ મારફતે મળેલ ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે ઝાંઝરડા રોડ, મોટી હવેલી, જૂનાગઢ ખાતે રહેતા આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકી (ઉવ. ૨૨) રહે. ને રાઉન્ડ અપ કરી, તેની તલાશી લેતા તેના કબજામાંથી  ઘરફોડ ચોરીમાં ગયેલ  સેમસંગ કંપની તથા ઓપો કંપનીના મોબાઈલ નંગ ૨ મળી આવતા આ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ હતા.

આરોપી મેહુલ પ્રવીણભાઈ સોલંકીની પોલીસે પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, હાલમાં લોક ડાઉનના કારણે મજૂરી મળતી ના હોઈ, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, ઘરફોડ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ ચોરીના ગુન્હામાં પકડાયેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.