જગવિખ્યાત સાસણ ગીરની પ્રખ્યાત ફળોની રાણી એવી કેસર કેરી આ વખતે શિયાળામાં બજારમાં આવી જાય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે સાસણના અનેક આંબાવાડીમાં શ્રાવણ માસમા જ મોર આવી જતા આંબાની ડાળીઓ ઉપર કેરી રૂમે ઝુમે આવી ગઈ છે.
દુનિયાભરના સ્વાદ રસિયાઓને સ્વાદ લેવા લલચાવતી ગીરની કેસર કેરી આ વખતે સત્તાવાર ફ્લાવરિંગ પહેલા જ શ્રાવણ માસમાં મોર આવવાનું શરૂ થતા સાસણ પંથકના અનેક આંબાવાડીઓની અસંખ્ય આંબાઓની ડાળીઓ ઉપર જોવા મળી છે. ત્યારે આ વખતે કેરીના સ્વાદ રશિયાઓને ઉનાળુ પહેલા શિયાળામાં જ કેરીનો સ્વાદ ચાખવા મળી જશે.
કલાયમેન્ટ ચેંજની અસરથી સેંકડો આંબાઓમાં આવ્યા હતા આગોતરા મોર
આમ જોઈએ તો, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારની અને ખાસ કરીને તાલાળા, વંથલી તથા સાસણ પંથકની સાથે ગિરનાર જંગલ આસપાસ થતી કેરી “જરા હટ કે” હોય છે જેથી તેની માંગ દુનિયાભરમાં રહે છે. અને આમેય ગીર એ કેસર કેરીનું હબ ગણાય છે. ત્યારે સાસણ ગીર પંથકમાં જ 1 હજાર થી વધુ આંબાના બગીચાઓ આવેલા છે. જો કે, આ આંબાવાડીની કેસર કેરી ઊંચ ગુણવત્તાવાળી ઉનાળામાં ઉતારવામાં આવે છે, પરંતુ આ વર્ષે શ્રાવણ મહિનાથી જ આંબા ઉપર મોર આવવાનું શરૂ થઈ જતા આ વખતે સાસણ પંથકની કેરીઓ શિયાળામાં બજારમાં આવી જશે.
આ અંગે માલણકાના આંબાના માલિક બીપીનભાઈ જાદવના જણાવ્યા અનુસાર તેઓ તેના બગીચામાં ખાતર, દવા કે અન્ય કોઈ રાસાયણિક અથવા આયુર્વેદિક દવાનો છંટકાવ કરતા નથી. અને તેના આંબાવાડીમાં 1,000 થી વધુ આંબાઓ આવેલા છે. ત્યારે આ વખતે શ્રાવણ મહિનાથી જ તેના આંબાવાડીમાં મોર આવવાનું શરૂ થઈ ગયું હતું. જો કે, કમોસમી વરસાદ થતાં ઘણો મોર ખરી જવા પામ્યો હતો. છતાંપણ અનેક આંબાઓમાં આજે કેરીઓ લુમે ઝુમે છે અને આવું તો સાસણ પંથકના અનેક આંબાવાડીઓમાં નજરે પડી રહી છે. તે સાથે આ વર્ષે કેસર કેરીના ફળ પણ મોટા આવ્યા છે અને એક કેરી 600 થી 700 ગ્રામની થાય તેવું જણાઈ રહ્યું છે.
બીપીનભાઈ જાદવના વધુમાં જણાવ્યા અનુસાર, દર વર્ષે તેના આંબાવાડી માંથી ઉતાર થતી કેરીની આવક 25 લાખ જેવી છે. પરંતુ આ વર્ષે વહેલો મોર આવી જતા અને કેરીઓ પણ શિયાળા પહેલા બજારમાં મૂકી શકાય તેમ છે. ત્યારે ઉનાળામાં પણ કેરીનો બીજો ફાલ આવે તેવું જણાઈ રહ્યું છે, ત્યારે આ વર્ષની તેમની કેરીની આવક ડબલ થઈને લગભગ 50 લાખ સુધી પહોંચે તેઓ તેવું તેઓ માની રહ્યા છે.
ક્લાઇમેન્ટ ચેન્જ ના કારણે શિયાળામાં આંબાઓમાં વહેલું ફ્લાવરિંગ આવી ગયું હોવાનું તથા ઉનાળાની કેસર કેરીની ગુણવત્તા કરતા શિયાળાની કેસર કેરીની ગુણવત્તા મહદ અંશે ઓછી હોવાનું જુનાગઢના કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.
છેલ્લા બે દિવસથી પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવક થઈ રહી છે. અને સાસણ પંથકમાં પણ શ્રાવણ માસમાં મોલ આવી જતા શિયાળામાં એટલે કે ટૂંક સમયમાં જ કેસર કેરીનું બજારમાં આગમન થઈ જવાનું છે. ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ વૈજ્ઞાનિક અને પ્રિન્સિપાલ, ડીન ડી.કે. વરુના જણાવ્યા મુજબ, હાલમાં ટેમ્પરેચર જે ઘટવું જોઈએ તેના બદલે વધી રહ્યું છે અને શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ, ઉનાળામાં માવઠા જેવા વાતાવરણની અસર લઈને થયેલ ક્લાયમેન્ટ ચેન્જના કારણે આંબાઓમાં વહેલુ ફ્લાવરિંગ આવી ગયું છે.
જો કે, શિયાળાની કેસર કેરીની ગુણવત્તા, સ્વાદ ઉનાળાની કેસર કેરીની ગુણવત્તા અને સ્વાદ કરતા મહદ અંશે ઓછી હોઈ શકે તેમ કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.