નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડતાં લોકોએ સીપીઆર આપ્યો પણ કામ ન લાગ્યો: પરિવારમાં કલ્પાંત
જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીંમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું ગઈકાલે હદય હુમલાના કારણે મોત નીપજ્યું હતું. ચોરવાડ ગામ પાસે આવેલી નાળિયેરની વાડીમાં જિજ્ઞેશ વાજા નામનો એક 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. સ્થાનિકો લોકોએ તેને સી.પી.આર આપવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જિજ્ઞેશનું મોત નીપજ્યું હતું. ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબ હિતેષ ધોળિયાએ જિજ્ઞેશ વાજાનું મોત હદય હુમલાના કારણે થયું હોવાનું જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામના વતની જિજ્ઞેશ વાજા ચોરવાડ હોલીડે કેમ્પ નજીક આવેલી નાળિયેરની વાડીમાં કામ કરતો હતો. આજે સવારે તે નાળિયેર ઉતારવાનું કામ કરી રહ્યો હતો. તે નાળિયેર લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો, જેથી અન્ય લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને સી.પી.આર આપવાનો પ્રયાસ કરાયો હતો. ત્યાર બાદ તરત જિજ્ઞેશને ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં થોડી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.