પરિક્રમાર્થીઓની 10 લાખથી પણ વધુ સંખ્યા થવાની શકયતા
જુનાગઢની ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગતરાત્રિના 12 વાગ્યે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે પૂર્વે ગતરાત્રિના જ લગભગ 3 લાખથી વધુ પરિક્રમાથીઓએ પરિક્રમા પૂરી કરી ઘરની વાટ પકડી હોવાનું મનાઈ રહ્યું છે. આ સાથે ગત રાત્રીના લગભગ 4 લાખથી વધુ લોકો પરિક્રમાના રૂટ ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે હજુ પણ હજારોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા જૂનાગઢના ભવનાથ ખાતે આવી રહ્યા છે અને ભવનાથ તરફ જતા માર્ગો ઉપર એકધારો માનવો પ્રવાસ વહી રહ્યો છે.
જેના કારણે આ વર્ષે લગભગ 10 લાખથી વધુ લોકો પરિક્રમા કરે તેવું મનાઈ રહ્યું છે. બીજી બાજુ આ વખતની પરિક્રમામાં પરિક્રમાના રૂટ ઉપર 3 પરિક્રમાથીઓના મોત નીપજ્યા હોવાનું તથા 1 ભાવિકનુ ગિરનારની નવી સીડી પર મોત થયા હોવાનું નોંધાયું છે.દરમિયાન વન વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજ સુધીમાં 4.50 લાખ ભાવિકોએ નળ પાણીની ઘોળી વટાવી દીધી હતી. જેમાંના મોટાભાગના લોકોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે.
તેઓ પોતાના વતનમાં કે આસપાસના ધાર્મિક સ્થળોએ દેવ દર્શને જુનાગઢ ખાતેથી નીકળી ચૂક્યા છે, આ સાથે ગતરાત્રિના પરિક્રમા રૂટ ઉપર 4 લાખથી વધુ લોકો હોવાનો પણ અંદાજ સેવાઈ રહ્યો હતો અને મોડી રાત્રે સુધી જુનાગઢના ભવનાથ ખાતેના મુખ્ય પ્રવેશ દ્વારથી હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ પ્રવેશ કરતા નજરે પડી રહ્યા હતા.દરમિયાન વન વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આજ વહેલી સવારના 4 વાગ્યાથી ફરી પરિક્રમાના રૂટ ઉપર માનવ મહેરામણ મોટી સંખ્યામાં આવી રહ્યો છે, અને આજે સાંજ સુધીમાં પરિક્રમાથીઓની સંખ્યા લગભગ 10 લાખ સુધી પહોંચી જાય તેવું અનુમાન પણ થઈ રહ્યું છે.
આ સાથે આ વખતની પરિક્રમામાં પરિક્રમાના રૂટ ઉપર 3 પરિક્રમાથીઓના મોત નીપજ્યા હોવાનું તથા 1 ભાવિકનુ ગિરનારની નવી સીડી પર મોત થયા હોવાની દુ:ખદ બાબત નોંધાઈ છે. જેમાં ભવનાથ તરફ આવતા રસ્તા પર ઇટવા ઘોળી નજીક અમદાવાદના સારંગ ગામના કાંતિભાઈ આત્મારામ સોલંકીનું હાર્ટ એટેક થી મોત નોંધાયું છે, જ્યારે માંડવેલાથી જીણાબાવાની મઢી વચ્ચે મહારાષ્ટ્રના સિનિયર સિટીઝન રત્નકાંત દત્તાત્રેય પાટીલનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. જ્યારે ઝીણા બાવાની મઢી આગળ આવેલ કોઝવેમાં પડી જતા એક અનનોન પરિક્રમાથીનું મૃત્યુ થયું છે.