માનવ લોહી ચાખી ચૂકેલા ૧૭ દીપડાઓને પાવાગઢના રેસ્ક્યુ સેન્ટરમાંથી જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર દસ વર્ષ અગાઉ પાવાગઢના ધોબીકુવા ખાતે એક રેસ્ક્યુ સેન્ટર વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને કેવડિયા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ પર હુમલો કરનાર દીપડાને પકડી પાડી વનવિભાગ દ્વારા આ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવતા હતા. દરમિયાન દાહોદ જિલ્લામાંથી ૧૦, છોટાઉદેપુર જિલ્લામાંથી ૪ અને જાંબુઘોડા જંગલની આસપાસના વિસ્તારમાંથી ૩ દીપડાઓને પકડીને વનવિભાગ દ્વારા પાવાગઢના ધોબી કૂવા ખાતે રેસક્યુ સેન્ટરમાં પાંજરે પૂરવામાં આવ્યા હતા અને આ દીપડાઓ એ માનવ પર હુમલો કરવાના કારણે આજીવન કેદમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ૧૦ પ્રાણીઓને રાખવાની ક્ષમતા વાળા આ રેસકયું સેન્ટરમાં ૧૭ દીપડાઓને રાખવામાં આવતા, આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત થવા પામી હતી. અને અંતે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં દીપડાઓને ખસેડવા માટે મંજૂરી મળતા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગુપ્તરાહે દીપડાઓને જૂનાગઢમાં લાવવા માટેની કામગીરી હાથ ધરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.