જામનગર મહાનગરપાલિકા દ્વારા વામ્બે આવાસ યોજનામાં થયેલા ગંભીર ભૂલના કારણે એક ખાનગી જમીન માલિકોને ૨૦ હજાર ચો. ફૂટની કરોડો રૃપિયાની જમીન આપવાની ફરજ પડ્યાના પ્રકરણમાં સ્થાયી સમિતિએ આવાસ યોજનાના કન્સલ્ટન્ટ પાસેથી રૃપિયા પચ્ચીસ લાખની પેનલ્ટી વસુલ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
રણજીતસાગર રોડ પર આવાસ યોજનાના એક ટાવરનું નિર્માણ એક આસામીની ખાનગી જમીન પર ખડકાઈ ગયું ત્યાં સુધી તંત્ર અજાણ હતું અને અંતે ૬ હજાર ચો. ફૂટ જેટલી જમીન સામે મહાનગરપાલિકાએ ’સમાધાન’ના ભાગરૃપે આ આસામીને જેની બજાર કિંમત ત્રણેક કરોડ રૃપિયા થાય તેવી રોડ ટચ ૨૦ હજાર ચો. ફૂટ જમીન આપવી પડી છે.
આ પ્રકરણમાં કોની ભૂલ થઈ ગઈ છે તે અંગે શું તપાસ થઈ તે તો રામ જાણે…! કારણ કે આ પ્રકરણમાં ખાનગી જમીનના આસામીઓ ફરિયાદ કર્યા પછી કન્સલ્ટન્ટ, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટર વિગેરે એકબીજાની પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હતાં. પરંતુ હવે જાણવા મળતી વિગતો પ્રમાણે આ ગંભીરભૂલનો ભોગ કન્સલ્ટન્ટને બનાવ દઈ તેની પાસેથી પેનલ્ટી વસુલવાનો નિર્ણય કરી અન્યને બચાવી લેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે મ્યુનિ. કમિશ્નરે ૧૧ લાખની પેનલ્ટી સૂચવી હોવા છતાં સ્થાયી સમિતિએ પચ્ચીસ લાખ પેનલ્ટીનો નિર્ણય કર્યો છે. જો કે સ્થાયી સમિતિનો આ નિર્ણય આગામી જનરલ બોર્ડમાં આવશે ત્યારે સમગ્ર બાબતની ચર્ચા થઈ શકશે.
આ પ્રકરણમાં જાણવા મળતી વિગતો પ્રમાણે તો કન્સલ્ટન્ટે પ્લાન-નક્શા-એસ્ટીમેટ બનાવવા માટે અને ખાસ કરીને જમીનની માલિકી, જમીનનું માપ-સાઈઝ વિગેરે અંગે વખતોવખત મહાપાલિકાના સંબંધિત વિભાગમાં પત્રવ્યવહાર કરીને માર્ગદર્શન મેળવ્યું હતું અને તેની ગાઈડલાઈન પ્રમાણે જ જમીન પર લાઈન દોરી ગયા હતાં. તેમ છતાં આ ઘટનામાં કન્સલ્ટન્ટને બલીનો બકરો બનાવી દેવામાં આવ્યા છે!! ખરેખર તો કન્સલ્ટન્ટને જમીનના નક્શા-માપ-સાઈઝના કલીયરન્સ સહિતની વિગતો કોણે આપી તે અંગે તપાસ કરી પગલાં લેવાના બદલે ચોક્કસ અધિકારી કે કર્મચારીઓની ભૂલ પર ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે!