સંત, સતિ, સુરા અને કલા સંસ્કૃતિની ભૂમિ ભાવનગર કે જે રજવાડાના વખતમાં ‘ભાવેણા’ના હલામણા નામથી ખૂબ જ પ્રખ્યાત હતું. આ ભાવનગરથી આશરે 45 કિ.મી.ના અંતરે આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એકી સાથે ત્રણેક હજાર જેટલા કાળિયાર દ્રષ્ટિ ગોચર થતા લોકોમાં આશ્ર્ચર્ય પ્રસર્યું હતું. જો કે કાળિયારના આ ટોળાને હંમેશ માટે કેદ કરી લોકો સમક્ષ રજૂ કરવામાં આવતા લોકો પણ કંઇક નવું જોયાનો આનંદ અનુભવી રહ્યા છે.
ભાવનગરના વેળાવદર પાસ આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણમાં હાલ ત્રણેક હજાર કે તેથી વધુ કાળિયાર વસવાટ કરે છે. જો કે સામાન્ય પ્રજા માટે તો આ અભિયારણ બંધ કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રકારે હરણના ટોળા અને તેની મુવમેન્ટના દ્રશ્યો સામાન્ય રીતે સ્થાનિક લોકોને જોવા મળતા હોય છે. અત્યારે વરસાદની સીઝન હોય વરસાદ પડતા હરણો ખાસ કરીને ટોળામાં જોવા મળે છે.
45 વર્ષ પહેલા સ્થાપવામાં આવેલા ભાવેણાના નેશનલ પાર્કમાં દેખાયો હજારો કાળિયારોનો અદ્ભૂત નજારો
જાણવા મળતી માહિતી પ્રમાણે ભાવનગરથી 45 કિ.મી. દૂર વેળાવદર પાસેના કાળિયાર રાષ્ટ્રીય અભિયારણ નેશનલ પાર્ક 3400 હેક્ટર અને બહારની સાઇડ 2000 હેક્ટરના કાળિયારો વસવાટ કરે છે. આ અભિયારણમાં અંદાજે 3000ની આસપાસ કાળિયારો છે અને રોજ અંદર-બહાર આવતા જતા રહે છે. સામાન્ય રીતે કાળિયારો હંમેશા ટોળામાં જ રહેતા હોય છે.છેલ્લા પાંચેક વર્ષમાં આ અભિયારણમાં કાળિયારોની સંખ્યામાં વધારો થયો હોવાનું પણ કહેવાય છે. જો કે આ લોકો માટે પ્રતિબંધિત વિસ્તાર હોય કાળિયારો મુક્ત મને હરીફરી શકે છે. સામાન્ય રીતે 16 ઓક્ટો. થી 15 જૂન સુધી પ્રવાસીઓ નેશનલ પાર્કની મુલાકાત લેતા હોય છે.
3400 હેક્ટર અંદર અને બહારની સાઇટમાં બે હજાર હેક્ટરમાં કાળિયારો મુક્ત રીતે ફરી શકે છે
ભાવેણાના વેળાવદર પાસે વર્ષ 1976માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી હતી એ સમયે અભિયારણનો પ્રતિબંધિત વિસ્તાર 17.88 ચોરસ કિલોમીટરનો હતો ત્યારબાદ સમયાંતરે એમાં વધારો થતા હાલ 34 કિલોમીટરનો આરક્ષિત વિસ્તાર છે. એક અંદાજ મુજબ અહિં ત્રણ હજારની આસપાસ કાળિયારોનો વસવાટ છે. કાળિયાર રાષ્ટ્રીય અભિયારણ વિસ્તારમાં આવેલા ઘાસના મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે આ અભિયારણ જિલ્લાનું મુખ્ય મથક ભાવનગરથી 45 કિલોમીટ દૂર છે. સપાટ જમીન, સુકાયેલું ઘાસ, તથા કાળિયારોના ટોળા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
અહિં અનોખી ઘાસ ભૂમિ કે જેના પર કાળિયાર, વરૂ અને ધોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. આ અભિયારણમાં કાળિયાર, વરૂ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી વગેરે વસવાટ કરે છે. જુંડમાં નીકળતા કાળિયારના અદ્ભૂત દ્રશ્યો મનોહર હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.