ભારત પોતાના અનેક સુંદર ટાપુઓ ધરાવે છે, ત્યાં પણ દેશવાસીઓ ફરવા જાય તેવા હેતુથી મોદીએ ખાસ લક્ષદ્વિપમાં ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. જો કે આનાથી માલદીવના પેટમાં તેલ રેડાતા તેના ત્રણ મંત્રીઓએ મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. પરિણામે ત્યાંની સરકારે આ ત્રણ મંત્રીઓને ઘરભેગા કરી દીધા છે.
બોયકોટ માલદિવથી સોશિયલ મીડિયા ઘણઘણી ઉઠતા ચીન તરફ ઝુકાવ ધરાવતી માલદીવ સરકારે નુકસાન થાય તે પહેલાં જ ત્રણ મંત્રીઓને ઘરભેગા કરી દીધા
ભારત પોતાના અનેક સુંદર ટાપુઓ ધરાવે છે, ત્યાં પણ દેશવાસીઓ ફરવા જાય તેવા હેતુથી મોદીએ ખાસ લક્ષદ્વિપમાં ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી
માલદીવ સરકારને હાથનું કર્યું હૈયે વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવના બહિષ્કારનો ડર સતાવા લાગ્યો છે. આ સાથે ત્યાંની સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર થઇ ગઇ હતી. ચોતરફી ટીકાઓને પગલે મંત્રી મરિયમ શિઉના, માલશા શરીફ અને મહમૂદ મજીદને સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી હતી. જોકે ત્યારબાદ પણ ટીકાઓનો દોર યથાવત્ રહ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર આ મંત્રીઓને ટેગ કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે, જેના કારણે હવે મહમૂદ મજીદે પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું.
માલદીવ સરકારના પ્રવક્તા મંત્રી ઈબ્રાહિમ ખલીલે જણાવ્યું હતું કે વિવાદીત ટિપ્પણીઓ માટે જવાબદાર ત્રણ મંત્રીઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે કહ્યું હતું કે માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ જે ઘૃણાસ્પદ ભાષાનો ઉપયોગ કરાયો છે હું તેની ટીકા કરું છું. ભારત હંમેશા માલદીવનો સારો મિત્ર રહ્યો છે અને આપણે આવી કઠોર ટિપ્પણીઓની આપણા બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ.
તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની પ્લાનિંગ કરવા અપીલ કરી હતી. જે બાદ માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિઉનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે, તેમની ટ્વિટની ટીકા થતાં જ તેમણે પોસ્ટ ડીલીટ કરવાની ફરજ પડી હતી.
સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ માલદીવમાં લોકોનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. લોકોએ બોયકોટ માલદીવ સાથે ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે ઘણા લોકોએ માલદીવમાં રજાઓ ગાળવાનો પ્લાન કેન્સલ કરી દીધો છે. હવે પીએમ મોદી વિરોધી પોસ્ટના વિવાદ વચ્ચે ઇઝી ટ્રીપ એ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કરી દીધી છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબે કહ્યું કે, અમે આતિથ્ય, સહિષ્ણુતા, સંવાદિતા અને શાંતિ દ્વારા માલદીવના પ્રવાસન ઉદ્યોગનું નિર્માણ કર્યું છે. હું માલદીવના રાજકારણીઓ દ્વારા ભારતના પ્રિય નાગરિકો અને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે અપમાનજનક અને જાતિવાદી ટિપ્પણીઓની સખત નિંદા કરું છું. હું માલદીવની સરકારને પણ આ અધિકારીઓની વિચારસરણીથી દૂર રહેવા માટે કહું છું અને સ્પષ્ટપણે જણાવું છું કે તે આ પ્રકારનો વિચાર નથી રાખતી.
માલદીવના સાંસદ અવા અબ્દુલ્લાએ કહ્યું કે આ ટિપ્પણી શરમજનક અને અસ્વીકાર્ય છે. હું ભારતની જનતાની માફી માંગવા માંગુ છું. અમારા મંત્રીઓના નિવેદનો માલદીવની સામાન્ય જનતાના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી.
માલદીવ્સ રિફોર્મ મૂવમેન્ટના પ્રમુખ ફારિસ મૌમુને જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓથી ભારત અને માલદીવ વચ્ચે ખૂબ જ તણાવ પેદા થયો છે. આ સ્થિતિને કારણે માલદીવના લોકો પર વિપરીત અસર થશે. ખાસ કરીને એવા લોકો કે જેઓ ભારતમાં રહે છે અને અભ્યાસ કરે છે.
રાજકીય પક્ષ માલદીવ થર્ડ વે ડેમોક્રેટ્સે કહ્યું કે, અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાજકારણીઓના જૂથના ભારતના લોકો વિરુદ્ધ નિવેદનોની સખત નિંદા કરીએ છીએ. આપણા સમાજમાં નક્સલવાદ અને ભેદભાવ માટે કોઈ સ્થાન નથી.