ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને હત્યાના કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામ રહીમ સિવાય અન્ય ચાર આરોપીઓને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2002ના ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યામાં રામ રહીમ અને અન્યને 8 ઓક્ટોબરે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સજાની જાહેરાત પહેલા હરિયાણાના પંચકુલા જિલ્લામાં કલમ -144 લાગુ કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવાઈ હતી.
જણાવી દઈએ કે, ઓગસ્ટ માસમાં વર્ષ 2017માં સુનાવણી વેળાએ જે હિંસા થઈ હતી તેને જોતા સુનાવણી પહેલા અથવા રામ રહીમને લગતા કોઈપણ કેસમાં સજાની જાહેરાત પહેલા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવે છે. 2017માં રામ રહીમને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ભયંકર હિંસા, તોફાનો થયા હતા જેમાં 36 જેટલા લોકો મોતને ઘાટ ઉતર્યા હતા. છેલ્લી સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટ પાસેથી ડેરા વડાને ફાંસીની સજાની માંગણી કરી હતી. તે જ સમયે, ખુદ રામ રહીમે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોહતક જેલમાંથી દયાની અરજી કરી હતી.
બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ રામ રહીમ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. રામ રહીમે કોર્ટ સમક્ષ દયાની અરજી કરતી વખતે બ્લડ પ્રેશર, આંખો અને કિડનીને લગતા તેમના રોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આજે કોર્ટે તેને ઉંમરકેદની સજા ફટકારી છે.
જુલાઈ 2002માં રણજિતની હત્યા કરવામાં આવી હતી
વર્ષ 2002માં 10 જુલાઈએ રણજિત સિંહની હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર મામલો વિશેષ સીબીઆઈ કોર્ટમાં જ ચાલ્યો હતો. આ ઘટનાને 19 વર્ષ વીતી ગયા બાદ આ મહિનાની શરૂઆતમાં રામ રહીમ સહિત પાંચ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ મામલે સમગ્ર ચર્ચા 12 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. CBIએ 3 ડિસેમ્બર, 2003ના રોજ આ કેસમાં FIR નોંધાવી હતી.