લંડનની એક અદાલતે UKના અત્યાર સુધીના સૌથી મોટા છૂટાછેડા કેસમાં ચુકાદો આપ્યો છે, જેમાં એક પુત્ર પતિ અને પત્ની વચ્ચેના છૂટાછેડાના વિવાદમાં માતાને વળતર તરીકે 100 મિલિયન (લગભગ 760 કરોડ) ચૂકવશે. ન્યાયાધીશે છૂટાછેડા કેસમાં આરોપી પુત્રને એક અપ્રમાણિક વ્યક્તિ તરીકે વર્ણવ્યો હતો. ન્યાયાધીશ ગ્વેનેથ નોવેલ્સએ બુધવારે પોતાના ફેંસલામાં કહ્યું હતું કે, ‘અબજોપતિ ફરહાદ અખ્મેડોવના પુત્ર તૈમૂર અખ્મેડોવને તેના પિતાની સંપત્તિ છુપાવવા માટે કામ કર્યું હતું, જેથી તેના પિતાની સંપત્તિમાં તેની માતાને આપવા પડતા ભાગનું પ્રમાણ ઓછું રહે.’
ન્યાયાધીશે આદેશ આપ્યો કે તૈમૂર હવે તેની માતાને 100 મિલિયન ચૂકવશે. જો કે, પૈસા છુપાવવાના આરોપ પર કેસની તપાસ દરમિયાન, તૈમૂરએ કહ્યું હતું કે, ‘તેણે કોલેજમાં અભ્યાસ દરમિયાન 50 મિલિયન ડોલરથી વધુ રકમનો વ્યાપાર કર્યો છે. જેમાં તેને નુકશાન થયું હતું. તે તેના પિતાના પૈસા છુપાવતો નથી, પરંતુ ધંધો કરતી વખતે તેણે આ પૈસા ગુમાવ્યા હતા.’
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ન્યાયાધીશે કહ્યું કે, ‘તૈમૂરે આ વાત તેના પિતા પાસેથી સારી રીતે શીખી હતી અને તેણે પોતાની માતાને તેમની વૈવાહિક સંપત્તિનો એક પણ પૈસો ના આપવો પડે એટલે આ બહાનું બતાવ્યું છે. ખરેખર, તૈમૂરની માતા તાતીઆના અખ્મેડોવ છૂટાછેડા દરમિયાન લંડનમાં લક્ઝરી એપાર્ટમેન્ટ મેળવવા માંગે છે.
અહેવાલ મુજબ, અઝરબૈજાનમાં જન્મેલા ફરહાદે નવેમ્બર 2012 માં રશિયન ગેસ ઉત્પાદકમાં પોતાનો હિસ્સો 1.4 અબજ ડોલરમાં વેચીને આટલી મોટી સંપત્તિ બનાવી હતી. જોકે, તેણે પત્નીને છૂટાછેડા લીધા પછી ચુકવણી તરીકે એક પૈસો આપવાનો ઇનકાર કર્યો હતો. આને કારણે તાતીઆને કેસ દાખલ કરવાની ફરજ પડી અને તેણે ઓછામાં ઓછા 6 દેશોમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. જોકે ફરહાદે કોર્ટના ચુકાદાને ખોટો ગણાવ્યો છે.