સેસન્સ ટ્રાયબલ કેસમાં મેજીસ્ટ્રેટે જામીન મંજુર કરી દેવાતા મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો
જજોને અપાયેલા અધિકારક્ષેત્રને પર જઈને ક્યારેક આદેશ આપી દેવાની ઘટનાઓ પણ સામે આવે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સંદર્ભે હાઇકોર્ટે ચીમકી ઉચ્ચારતા તેમના અધિકાર ક્ષેત્રમાં રહી નિર્ણયો લેવા આદેશ આપ્યો હતો. મૂળ મામલાની વાફ કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની ઉમરાળા કોર્ટમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની વર્તણૂકથી ચિંતિત ગુજરાત હાઇકોર્ટે મંગળવારે અધિકારક્ષેત્ર વિના આદેશ પસાર કરવા બદલ વહીવટી ધોરણે કડક કાર્યવાહી માટે તેમનો કેસ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને મોકલ્યો હતો.
ન્યાયાધીશ સમીર દવેએ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યો હતો કે જો ન્યાયાધીશ સામે કોઈ ફરિયાદ મળે તો તેને મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મુકવામાં આવે.
કેસની વિગતો મુજબ જયદીપસિંહ ગોહિલે 15 વ્યક્તિઓ સામે ઉમરાળા પોલીસમાં લૂંટ અને ગુનાહિત કાવતરું રચવાની ફરિયાદ નોંધાવી હતી. તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને ન્યાયિક મેજિસ્ટ્રેટ પ્રથમ વર્ગ (જેએમએફસી)એ ત્રણ દિવસની કસ્ટડીમાં પૂછપરછનો આદેશ આપ્યો હતો. જો કે, તે પછી તે જ મેજિસ્ટ્રેટે જામીન પણ આપ્યા હતા.
મેજિસ્ટ્રેટ જાણતા હતા કે આ આજીવન કેદ સુધીની સજા સાથેનો સેશન્સ-ટ્રાયેબલ ગુનો છે જેમાં તેઓ જામીન આપવાની સત્તા ધરાવતા નથી પરંતુ તેમ છતાં અધિકારક્ષેત્ર વિના હુકમ પસાર કર્યો હતો તે આધારે તપાસ અધિકારી અને ફરિયાદીએ ભાવનગર જિલ્લા કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જિલ્લા અદાલતે જેએમએફસીના આદેશને રદિયો આપ્યો હતો અને નોંધ્યું હતું કે મેજિસ્ટ્રેટે તપાસના કાગળો માગ્યા ન હતા. મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલા આદેશ અંગે જિલ્લા ન્યાયાલયે નોંધ્યું હતું કે, જાણે જામીન આપવા માટે મેજિસ્ટ્રેટ ખૂબ જ આતુર હતા. એના લીધે જ આદેશ ટાઈપ કરવાની રાહ પણ જોવાઇ નહિ અને પેનથી જ આદેશ લખી જામીન આપી દેવાયાં.
એક આરોપીએ જામીન રદ કરવા સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યારે હાઈકોર્ટે મેજિસ્ટ્રેટના “વર્તન અને રીત” પર જિલ્લા અદાલતના અવલોકનોનું નિરીક્ષણ કર્યું, ત્યારે કહ્યું, આ પ્રકારનું વર્તન ખરેખર ચિંતાજનક છે અને વહીવટી બાજુએ અમારી હાઈકોર્ટ દ્વારા કડક પગલાં લેવાની જરૂર છે.
જ્યારે આરોપીના વકીલે હાઈકોર્ટને મેજિસ્ટ્રેટ પર આટલા કડક ન થવાનું કહ્યું ત્યારે જસ્ટિસ દવેએ વકીલને પૂછ્યું કે, તમે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને જાણો છો? વકીલે નનૈયો ભણતા ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી કે, તેઓ મારા ન્યાયિક અધિકારી છે. હું તેમને ઓળખું છું. તે 1995 થી જેએમએફસી છે.