બિનાની સિમેન્ટની એસેટ્સ ખરીદવા માટે અલ્ટ્રાટેક સિમેન્ટ, હાઇડલબર્ગ, JSW ગ્રૂપ, દાલમિયા ભારત અને રામ્કો સિમેન્ટ્સ જેવી અગ્રણી કંપનીઓ તેમજ ઝુનઝુનવાલા જેવા ખમતીધર રોકાણકારોએ દરખાસ્તો કરી: JSW ગ્રૂપે રૂ૫,૯૦૦ કરોડની બિડ કરી

બિનાની સિમેન્ટ માટે સજ્જન જિન્દાલના JSW ગ્રૂપે સૌથી ઊંચી બિડ કરીને અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા તથા અલ્ટ્રાટેક જેવી અગ્રણી કંપનીઓ કરતાં પણ વધારે ભાવની ઓફર કરી હતી એમ આ હિલચાલથી પરિચિત ત્રણ વ્યક્તિએ જણાવ્યું હતું. JSW ગ્રૂપે રૂ૫,૯૦૦ કરોડની બિડ કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ બિડ બે દિવસ પહેલાં ક્રેડિટર્સ કમિટી સમક્ષ ખૂલી હતી પણ તે અંગેનો અંતિમ નિર્ણય તો બેન્કો દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવશે.

બિડના મૂલ્યાંકન માટે બેન્કોએ અલ્વારેઝ એન્ડ માર્શલ નામની ક્ધસલ્ટિંગ કંપનીની નિમણૂક કરી છે. બેન્કોને આશા છે કે, બિનાની સિમેન્ટના સોદામાં તેમણે ખોટ ખાવાનો વારો નહીં આવે.

એક બેન્ક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને રૂ.૪,૫૦૦ કરોડથી લઈને રૂ.૬,૦૦૦ કરોડ સુધીના ભાવની ઘણી બિડ મળી હતી. આ સોદામાં અમે ખોટ ખાવી નહીં પડે તેવું હું પહેલેથી જ કહેતો આવ્યો છું. હવે અમારે ખૂબ જ સાવધાનીપૂર્વક આ બિડનો અભ્યાસ કરવો પડશે અને બિનાની માટે કઈ કંપની એકદમ પર્ફેક્ટ છે તે નક્કી કરવું પડશે. JSW ગ્રૂપે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

જોકે, દેવા હેઠળ દબાયેલી બિનાની સિમેન્ટની એસેટ્સ ખરીદવા માટે અલ્ટ્રાટેક સિમેન્ટ, હાઇડલબર્ગ, JSW ગ્રૂપ, દાલમિયા ભારત અને રામ્કો સિમેન્ટ્સ જેવી અગ્રણી કંપનીઓ તેમજ ઝુનઝુનવાલા જેવા ખમતીધર રોકાણકારોએ દરખાસ્તો કરી છે.  JSW સિમેન્ટના MD પાર્થ જિન્દાલે જણાવ્યું હતું કે, તેઓ બિનાની સિમેન્ટ માટે આક્રમક બિડ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.