ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હી સ્થિતિ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીમાં મૂળ હિમાચલ પ્રદેશના અને બિહાર માં યુવા મોરચા ના કાર્યકર્તા તરીકે કાર્યરંભ કરનાર ભાજપના નેતા અને અત્યાર સુધી કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળતા જે.પી. નડ્ડા બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. આ અંગે ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જે.પી. નડ્ડાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભાજપને અમિતભાઈ શાહના સ્થાને સર્વાનુમતીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે. જે.પી. નડ્ડાને રાજ્ય અને કેન્દ્રીય સંગઠનમાં કામ કરવાનો અનુભવ હોય તેઓ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પક્ષનાં વિજય રથને આગળ ધપાવશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ અને હિમાચલ પ્રદેશના દિગ્ગજ નેતા જગત પ્રકાશ નડ્ડા પક્ષના ૧૧માં અધ્યક્ષ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. તેઓ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે.પી. નડ્ડા પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.
રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું કે, ભાજપમાં હંમેશાથી જ અધ્યક્ષ પદની ચૂંટણી સામાન્ય સહમતિ અને કોઈ મુકાબલા વગર થાય છે. ભાજપ એકમાત્ર એવો રાજકીય પક્ષ છે જેમાં પરિવારવાદ કે વંશવાદ કે જ્ઞાતિ-જાતિવાદને કોઈ સ્થાન નથી. કોંગ્રેસ પક્ષનાં છેલ્લાં ત્રણ રાષ્ટ્રીય અધ્યક્ષ એક જ પરિવારનાં છે જ્યારે ભાજપનાં આજ સુધીનાં તમામ રાષ્ટ્રીય અધ્યક્ષ અલગ-અલગ વર્ગ, જાતિ, જ્ઞાતિ, પ્રદેશમાંથી આવે છે. અહીં પરિવારવાદ કરતા દેશભાવના અને રાષ્ટ્રવાદને વિશેષ મહત્વ આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશના એક બ્રાહ્મણ પરિવારથી આવનારા જે.પી. નડ્ડા પક્ષમાં સૌ માટે એક સન્માનીય નેતા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તરપ્રદેશમાં ચૂંટણી અભિયાનના તેઓ પ્રભારી હતા. જેમાં ૮૦ લોકસભા સીટોમાંથી ૬૨ સીટો પર ભાજપે જીત નોંધાવી હતી. સામાન્ય ચૂંટણીમાં બીજેપી માટે મહત્વપૂર્ણ રાજ્ય સંભાળવા ઉપરાંત જે.પી. નડ્ડા નરેન્દ્રભાઈ મોદીની સરકારના પહેલા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી હતા. તેઓ સંસદીય બોર્ડના સભ્ય રહી ચૂક્યા છે એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે ભારતીય જનતા પાર્ટીના ૧૪માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડાની નિમણૂક થવા બદલ તેમને શુભકામનાઓ પાઠવી છે.